તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
વાઘોડિયા સેવા સદનમાં જાતિના દાખલા માટે જનતા પરેશાન: કાળઝાળ ગરમીમાં લાઈનો લાગતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોષે ભરાયા, મામલતદારને કડક શબ્દોમાં ખખડાવ્યા!
"જેમની પાસે જમીન જ નથી, તેઓ 7-12 ક્યાંથી લાવે?" નિયમો હોવા છતાં અધિકારીઓની મનમાની સામે ધારાસભ્ય લાલઘૂમ; કલેક્ટરને ફોન જોડી ખુલ્લી ચીમકી આપી

વાઘોડિયા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા સેવા સદનમાં જાતિના દાખલા કઢાવવા માટે સામાન્ય જનતાને ભારે હાલાકી અને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી સેંકડો અરજદારો આ કાળઝાળ ગરમીમાં, ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સરકારી અધિકારીઓની કડક અને અયોગ્ય નિયમોની જીદ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાત્કાલિક સેવા સદન ખાતે દોડી આવ્યા હતા અને જનતાની પડખે ઊભા રહી મામલતદાર સામે લાલ આંખ કરી ઉગ્ર પૂછપરછ કરી હતી.
પુરાવા હોવા છતાં અયોગ્ય માંગણીથી જનતા ત્રસ્ત
અરજદારોનો ગંભીર આક્ષેપ છે કે તેમની પાસે સરકારના નિયમ મુજબ 1951 પહેલાના માન્ય પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, મામલતદાર દ્વારા કાયદા વિરુદ્ધ જઈને જમીનના 7-12ના ઉતારા લાવવાની અયોગ્ય માંગણી કરવામાં આવી રહી છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે:
"જેમની પાસે કોઈ જમીન જ નથી, તેઓ 7-12 ના ઉતારા ક્યાંથી લાવે? અને જેમના બાપ-દાદા ક્યારેય શાળાએ જ નથી ગયા, તેઓ શાળા છોડ્યાનો દાખલો (LC) ક્યાંથી લાવે?"
પારો 41 ડિગ્રીને પાર, છતાં પીવાના પાણીની પણ સુવિધા નહીં!
એક તરફ જ્યારે રાજ્યભરમાં સૂર્યદેવ અગનગોળા વરસાવી રહ્યા છે અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તેવા સમયે વાઘોડિયા સેવા સદનમાં વહીવટી તંત્રની ઘોર સંવેદનહીનતા જોવા મળી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો માટે સેવા સદન પરિસરમાં પીવાના શુદ્ધ પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ આખીય આક્રોશજનક સ્થિતિને નજરે જોતાં જ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
ધારાસભ્યની મામલતદાર એસ. એસ. કસોટાને કડક ચીમકી
ધારાસભ્યએ સ્થળ પર જ મામલતદાર એસ. એસ. કસોટાને આડેહાથ લેતાં પ્રજાને ખોટી રીતે હેરાન ન કરવા માટે કડક શબ્દોમાં સુનાવણી કરી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન જોડીને વાઘોડિયાની જનતાની આ હાલાકી અને અધિકારીઓની મનમાની અંગે વિગતવાર વાકેફ કર્યા હતા.
ધારાસભ્યએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે જો સરકારી અધિકારીઓ તાત્કાલિક પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે અને જનતાના કામ સરળતાથી નહીં થાય, તો આ સમગ્ર મામલે સીધી ગાંધીનગર ખાતે રાજ્ય સરકારમાં સત્તાવાર અને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
