News of Tuesday, 17th November 2026
ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમતી એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ. ૨૦,૦૦૦ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
પ્રોહિબિશન કેસમાં આગોતરા જામીન પર હાજર થયેલા ફરિયાદીનો મોબાઈલ ફોન પરત આપવા લાંચ માંગી હતી : છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ અને ટીમે પીએસઆઈ ચેમ્બરમાં જ સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારીને રંગેહાથ પકડી પાડ્યા

ડભોઈ: વડોદરા જિલ્લાના ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી એકતાબેન જયંતીભાઈ પંડ્યાને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા રૂપિયા ૨૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મંગળવાર, ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનની પીએસઆઈ ચેમ્બરમાં જ આ સફળ ટ્રેપને અંજામ આપવામાં આવ્યો હતો.
મોબાઈલ ફોન પરત આપવા માંગી હતી લાંચ:
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, એક જાગૃત નાગરિક વિરુદ્ધ ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો, જેની તપાસ વર્ગ-૩ના પીએસઆઈ શ્રીમતી એકતાબેન પંડ્યા ચલાવી રહ્યા હતા. આ ગુનાના કામે ફરિયાદી નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતેથી આગોતરા જામીન મંજૂર કરાવીને ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. તે સમયે પીએસઆઈ શ્રીમતી એકતાબેન પંડ્યાએ ફરિયાદીનો મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો અને જો આ મોબાઈલ ફોન પરત જોઈતો હોય તો રૂપિયા ૨૦,૦૦૦ની લાંચ આપવી પડશે તેવી માંગણી કરી હતી.
એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા:
ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન મૂળ અમરેલીના બહુમાળી ભવન પાછળના વતની અને હાલ ડભોઈ રેલ્વે કોલોનીમાં રહેતા ૩૭ વર્ષીય પીએસઆઈ શ્રીમતી એકતાબેન જયંતીભાઈ પંડ્યાએ પોતાની ચેમ્બરમાં ફરિયાદી પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીની ટીમે સ્થળ પર જ ત્રાટકીને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી અને આરોપી મહિલા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
