<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગુજરાતના મુકબધિર વિદ્યાર્થીઓને હવે ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાંથી મુકિત મળશે

વિજ્ઞાનના અટપટા સિધ્‍ધાંતો સમજવા ખૂબ જ મુશ્‍કેલ હોવાથી તણાવ ઘટશે અને પરિણામ સુધરશે

અમદાવાદ, તા. ૧૯ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓના હિતમાં એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજ્‍યના મૂકબધિર વિદ્યાર્થીઓને હવે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન જેવા અઘરા વિષયમાંથી મુક્‍તિ આપવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરીને રાજ્‍યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) ને કડક અમલવારી માટે આદેશ મોકલી દેવામાં આવ્‍યા છે.

નવા નિયમ અનુસાર, મૂકબધિર વિદ્યાર્થીઓ પર હવે વિજ્ઞાન વિષય ભણવાનું કોઈ દબાણ રહેશે નહીં અને તેઓ પોતાની ઈચ્‍છા મુજબ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાનો લાભ લઈ શકશે. આ વિદ્યાર્થીઓ હવે વિજ્ઞાનના બદલે બોર્ડ દ્વારા માન્‍ય રાખવામાં આવેલા અન્‍ય મરજિયાત અથવા વ્‍યવસાયલક્ષી વિષયો પસંદ કરી શકશે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા મુજબના વિષયો ભણવાની ઉત્તમ તક મળશે, જે તેમની કારકિર્દી ઘડવામાં મદદરૂપ સાબિત થશે.

વિદ્યાર્થીઓનો તણાવ ઘટશે

અને પરિણામ સુધરશે

શિક્ષણ જગતના નિષ્‍ણાતોના મતે, સામાન્‍ય વિદ્યાર્થીઓની સરખામણીએ મૂકબધિર બાળકો માટે વિજ્ઞાનના અટપટા સિદ્ધાંતો અને પ્રયોગો સમજવા ખૂબ મુશ્‍કેલ સાબિત થતા હતા, જેના કારણે તેમના પર માનસિક તણાવ રહેતો હતો. આ ઐતિહાસિક સુધારાથી દિવ્‍યાંગ વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર થશે, તેમનો આત્‍મવિશ્વાસ વધશે અને ધોરણ-૧૦નું પરિણામ પણ ઘણું સુધરશે. સરકારના આ વિદ્યાર્થીલક્ષી અભિગમને કારણે રાજ્‍યભરના વાલીઓ અને શૈક્ષણિક સંસ્‍થાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

(11:42 AM IST)