તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો સુખદ અંત : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક રહી સફળ : જુઓ વિડીયો
સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ હોવાનું જણાવતા અર્જુનભાઈ : કર્મચારી મંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે સમસમાપ્ત કરવાની કરાઈ જાહેરાત : બાકી રહેતા પ્રશ્નોનું ટૂંક સમયમાં લાવવામાં આવશે નિરાકરણ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંતે સુખદ અંત આવ્યો છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવા માટે કટિબદ્ધ રહી છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કર્મચારીઓના આંદોલનના સંદર્ભમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની સૂચનાથી યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર, આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ફળદ્રુપ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેના સુખદ પરિણામ સ્વરૂપ આંદોલનનો અંત આવ્યો છે.
બાકી રહેતા પ્રશ્નોનું ટૂંક સમયમાં લાવવામાં આવશે નિરાકરણ:
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, કર્મચારીઓની કેટલીક માંગણીઓ કે પ્રશ્નો અંગે 'સામાન્ય વહીવટ વિભાગ' અને 'નાણાં વિભાગ'ની મંજૂરી મેળવવી આવશ્યક હોવાથી, નિયમોનુસારની યોગ્ય પ્રક્રિયા ટૂંક સમયમાં જ હાથ ધરીને તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. સરકાર કર્મચારીઓના હિત માટે હરહંમેશ તત્પર છે.
વન વિભાગના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા:
મંત્રીશ્રીએ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ અત્યંત પ્રતિકૂળ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ સતત ફરજ બજાવતા હોય છે. તેમના આ જ સમર્પણ અને પરિશ્રમને કારણે આજે રાજ્યમાં વન સંપદા અને વન્યજીવો સુરક્ષિત રહી શક્યા છે.
કર્મચારીઓ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત:
સરકાર સાથે યોજાયેલી આ બેઠકમાં થયેલી સકારાત્મક ચર્ચાઓથી સંતુષ્ટ થઈને કર્મચારી મંડળ દ્વારા પણ પોતાનું આંદોલન સત્તાવાર રીતે સમેટવાની સહર્ષ સંમતિ દર્શાવવામાં આવી છે. સરકારના આ સહાનુભૂતિપૂર્ણ અને હકારાત્મક વલણને કારણે વન વિભાગના કર્મચારીઓમાં પણ ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
