તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
અમદાવાદમાં 'વોટ ચોર ગદ્દી છોડ' ના નારા સાથે CEC વિરુદ્ધ આંદોલન: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ૧૦૦થી વધુની અટકાયત
મતદાર યાદીના વિશેષ નિરીક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતર્યા; પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી

અમદાવાદ : દેશભરમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સુધારણાને લઈને ચાલી રહેલા વિરોધના માહોલ વચ્ચે હવે ગુજરાતના મુખ્ય મથક અમદાવાદમાં પણ તેનો ભારે પ્રભાવ જોવા મળ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તત્કાલ રાજીનામાની માંગ સાથે શનિવારે સાંજે અમદાવાદના એસ. કે. રોડ પર આવેલા એમ.જે. લાઇબ્રેરી પાસે એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
આ આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) સહિતના વિવિધ ડાબેરી સંગઠનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનો (જેન ઝી) જોડાયા હતા. સાંજે આશરે ૬:૩૦ વાગ્યે શરૂ થયેલું આ પ્રદર્શન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. પ્રદર્શનકારીઓએ "જ્ઞાનેશ કુમાર, ઇસ્તીફા દો", "વોટ ચોર ગદ્દી છોડ" અને "જ્ઞાનેશ કુમાર હટાવો, લોકશાહી બચાવો" જેવા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વિસ્તારને ગજવી મૂક્યો હતો.
વિરોધ પ્રદર્શનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એમ.જે. લાઇબ્રેરી અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓની વધતી જતી ભીડ અને ઉગ્રતાને જોઈને પોલીસે તેમને રોકવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કાર્યવાહી કરીને ૧૦૦ થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરો અને નેતાઓને ટિંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડીને ખસેડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય ભાગોમાં પણ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આવા જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અને મતદારોના નામમાં કરવામાં આવેલા ફેરફારોને લઈને વિપક્ષી પક્ષો અને વિવિધ નાગરિક સંગઠનો દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાના કારણે મતદારોના મૂળભૂત અધિકારો અને ચૂંટણીની પારદર્શિતા જોખમાઈ રહી હોવાના આક્ષેપો સાથે આ રાષ્ટ્રીય સ્તરનું આંદોલન વેગ પકડી રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ આ યુવા આંદોલન જોવા મળ્યું છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
