<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે GAS માંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત : લોકસેવા અને પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ભાર મુકાયો

રાજ્યપાલે નવનિયુક્ત IAS અધિકારીઓને આપ્યો મંત્ર - લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખનું સર્વોત્તમ માધ્યમ છે, વિકસિત ભારત @ 2047ના સંકલ્પમાં યોગદાન આપવા અને ફિલ્ડમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વેગ આપવા કરી અપીલ

ગાંધીનગર, તા. 06 : ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ GAS કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS કેડરમાં બઢતી મેળવનાર અધિકારીઓએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને વહીવટી ક્ષેત્રે વધુ જવાબદારી સાથે સેવા આપવા પ્રેરણા આપી હતી. 

 

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે ઈશ્વરે આપણને બધાને માનવ જાતિ અને સમાજની સેવા કરવાનો દુર્લભ અવસર આપ્યો છે. દરેક વ્યક્તિ પોતાની અંદર કોઈને કોઈ વિશેષતા લઈને જન્મે છે. જો આપણે તે વિશેષતાને ઓળખીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીએ તો તેનો સીધો લાભ સમાજને મળે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે, તેમાં આપણે સૌએ એકજૂથ થઈને આવનારી પેઢીઓ માટે મજબૂત પાયો નાખવાનો છે. રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે.

 

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ વર્ષ 2005થી ગુજરાતમાં વહીવટી સેવાઓ આપવાના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેઓએ જણાવ્યું કે તે સમયગાળો ઈ-ગવર્નન્સનો સંક્રાંતિકાળ હતો. મહેસૂલી રેકોર્ડ, રેશન કાર્ડ અને જમીન નોંધણી જેવા દાયકાઓ જૂના દસ્તાવેજોને કમ્પ્યુટરાઈઝ્ડ કરવાનું કામ અત્યંત પડકારજનક હતું. તે સમયે લોકોને નવી ટેકનોલોજી સમજાવવી અને સ્વીકાર કરાવવો એ પણ મોટો પડકાર હતો. અધિકારીઓની આ નિષ્ઠા અને મહેનતને બિરદાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે તમે તે સમયે જે પાયાનું કામ કર્યું છે તે આવનારી પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ગુજરાતના વહીવટી તંત્રને મજબૂત બનાવશે.

 

રાજ્યપાલશ્રીએ નવનિયુક્ત IAS અધિકારીઓને તેમના ફિલ્ડ પોસ્ટિંગ દરમિયાન રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ મિશન માં વિશેષ રુચિ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. પર્યાવરણ અને જનસ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે જો આ પૃથ્વી પર માણસનું શરીર અને જીવન જ સુરક્ષિત નહીં હોય, તો પછી કોઈ સંબંધો રહેશે નહીં, કોઈ હોદ્દો રહેશે નહીં. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી આખું વાતાવરણ દૂષિત થઈ ગયું છે, જેના કારણે હોસ્પિટલો બીમાર લોકોથી ભરાઈ રહી છે. તેથી સમાજના સર્વાંગી કલ્યાણ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તમે જ્યાં પણ ફરજ બજાવો ત્યાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે વહીવટી સ્તરે સક્રિય અને નક્કર પગલાં લો, તેવી રાજ્યપાલશ્રીએ અપીલ કરી હતી. 

 

બેઠકના અંતે તમામ અધિકારીઓએ રાજ્યપાલશ્રીના વિઝન અને માર્ગદર્શનને સહર્ષ સ્વીકાર્યું હતું અને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જન-આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

(3:34 PM IST)