તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
અગ્રણી સહકારી નેતા જયેશ પટેલે સુમુલ ડેરીમાંથી સદસ્યતા ગુમાવ્યા બાદ 'ગુજરાત ખેડૂત સમાજ' માં જોરદાર ઘરવાપસી
ભાજપના પૂર્વ ખેડૂત નેતાએ ઓલપાડ ખાતે પાવર ગ્રીડ વીજ ટાવર આંદોલનની કમાન સંભાળી: ખેડૂતોની વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવતા દક્ષિણ ગુજરાતનું સહકારી રાજકારણ ગરમાયું

ગુજરાતના સહકારી રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના દિગ્ગજ અને અગ્રણી સહકારી કિસાન નેતા જયેશ પટેલ દ્વારા સત્તાવાર રીતે પોતાના જૂના સંગઠનમાં ઘરવાપસી કરી લેવામાં આવી છે.
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય ખેડૂત નેતા તરીકે જાણીતા જયેશ પટેલની સુમુલમાંથી સદસ્યતા રદ થતાં જ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સુમુલ ડેરીમાંથી તેમનું નામ કમી થવાના ગણતરીના દિવસોમાં જ તેમણે 'ગુજરાત ખેડૂત સમાજ'માં પુનઃ પ્રવેશ કરીને સહકારી ક્ષેત્રના જૂના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે.
પોતાના સંગઠનમાં ઘરવાપસી કરતાની સાથે જ કિસાન નેતા જયેશ પટેલ તુરંત એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે ઓલપાડ ખાતે સ્થાનિક ખેડૂતોના હિત અને જમીન બચાવવા માટે શરૂ થયેલા પાવર ગ્રીડ ટાવર વિરોધ આંદોલનની મુખ્ય કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ઓલપાડ વિસ્તારમાં ખેડૂતોની મંજૂરી વિના કે અપૂરતા વળતર સાથે કિંમતી જમીનોમાંથી પસાર થઈ રહેલા હાઈ વોલ્ટેજ વીજ ટાવરના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન અને રેલીમાં સેંકડો સ્થાનિક ખેડૂતો સાથે જોડાઈને જયેશ પટેલે સક્ષમ વહીવટી અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ ચીમકી આપી છે કે જો જગતના તાતને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે તો આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપી સમગ્ર ગુજરાત સ્તરે વિસ્તારવામાં આવશે.
નોંધનીય છે કે જયેશ પટેલ લાંબા સમય સુધી સત્તાધારી પક્ષ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા રહીને સહકારી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. જો કે, સુમુલ ડેરીના આંતરિક વિવાદો અને વહીવટી તંત્ર દ્વારા વેરભાવ રાખી તેમનું નામ કમી કરવાના લીધેલા આકરા નિર્ણયને પગલે તેમની રાજકીય અને સામાજિક સફરમાં આ મોટો વળાંક આવ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, જયેશ પટેલની ઘરવાપસીથી ગુજરાત ખેડૂત સમાજને દક્ષિણ ગુજરાતમાં નવું સંગઠનાત્મક બળ મળશે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
