News of Sunday, 24th May 2026
સુરત ગ્રામ્યના પાલોદ ગામે એસએમસીના પીઆઈ આર.કે.કરમટાનો પ્રોહિબિશન કટિંગ રેડમાં સપાટો : ભુવનેશ જાટ અને જોગારામ જાખર સહિત સાત બુટલેગરો ૧.૦૮ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા : જુઓ વિડીયો
ગોવાથી ટ્રક મારફતે મંગાવેલી ₹૪૪.૫૪ લાખની ૪૪,૫૪૪ બોટલ વિદેશી દારૂનો જથ્થો અન્ય વાહનોમાં કટિંગ થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી : મુખ્ય સુત્રધાર મુકેશ જૈન અને જગદીશ ભામરા સહિત ૧૧ વોન્ટેડ

પાલોદ: ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક બહુ મોટી રેડ પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરના દારૂના કટિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એસએમસીના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) આર.કે.કરમટા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ૨૩ મે ૨૦૨૬ ના રોજ માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં રેડ પાડી હતી. પાલોદ નાની કેનાલથી બોરસદ ગામ તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં જ્યારે ગોવાથી મંગાવવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનું અન્ય નાના વાહનોમાં કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ પોલીસ કાફલો ત્રાટક્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની હજારો બોટલો, પાંચ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૦૮,૯૫,૮૬૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, આ દારૂનો વિશાળ જથ્થો ગોવાના બાર્ડેઝ ખાતે આવેલા પિગોટ ચેપમેન એન્ડ કંપની કોલવાલે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ખાસ રીતે કન્ટેનર અને ટ્રક મારફતે સપ્લાય કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ ૪૪,૫૪૪ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૪,૪૦૦ થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાતા રૂપિયા ૬૨,૦૦,૦૦૦ ની કિંમતના ૫ વાહનો, રૂપિયા ૨,૪૦,૦૦૦ ની કિંમતના ૮ નંગ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ૧,૪૬૦ મળીને કુલ રૂપિયા ૧,૦૮,૯૫,૮૬૦ નો મુદ્દામાલ જપ્ત કરીને પાલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩) અને ૩૪૦(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સનસનાટીભરી રેડ દરમિયાન એસએમસીની ટીમે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની એવા કુલ ૭ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં (૧) ભુવનેશ નરસિંગારામ જાટ (રહે. બલદેવ નગર, બારમેર - જે ટાટા ઇન્ટ્રા ગાડી નંબર GJ-05-CU-9250 માં દારૂ સપ્લાય કરતો ડ્રાઇવર છે), (૨) પવન ચેહરામ મેઘવાલ (રહે. બાટડુ, બાયતુ, બારમેર - મજૂર), (૩) જોગારામ પીરારામ જાખર (રહે. નાંદ, બારમેર - જે બોલેરો પીકઅપ નંબર MH-41-AU-1097 માં દારૂ સપ્લાય કરતો ડ્રાઇવર છે), (૪) ગણપત બાબુલાલ મેઘવાલ (રહે. આંખિયા, ગુડામાલાણી, બારમેર - મજૂર), (૫) થાનારામ દેરાજરામ બ્રિજવાલ (રહે. બ્રિજ નગર, બારમેર - મજૂર), (૬) જીતેન્દ્ર કૈલાશકુમાર મેઘવાલ (રહે. રેકો કી ધાણી, કાગીયુ, બારમેર - મજૂર) અને (૭) શ્રવણ દાદુરામ મેઘવાલ (રહે. આંખિયા, ગુડામાલાણી, બારમેર - મજૂર) નો સમાવેશ થાય છે. આ તમામ સાતેય આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, રેડ દરમિયાન અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અને આ રેકેટના મુખ્ય સૂત્રધારો સહિત કુલ ૧૧ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં (૧) મુકેશ ઉર્ફે શ્રવણ ઉર્ફે ગઢવી રૂપચંદ જૈન (દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી), (૨) જગદીશ કુમાર ભંવરારામ (મુખ્ય આરોપીનો ભાગીદાર), (૩) મદન જોગારામ ચૌધરી (રેડ દરમિયાન બોલેરો પીકઅપ નંબર GJ-07-YZ-1157 લઈને ભાગી જનાર ડ્રાઇવર), (૪) રમેશ કુમાર મેઘવાલ (બોલેરો પીકઅપ નંબર MH-04-JU-1766 નો ભાગી ગયેલો ડ્રાઇવર), (૫) અશોકકુમાર જોધારામ આંખિયા મેઘવાલ (રહે. આંખિયા, બારમેર - જે ટ્રક નંબર MP-09-HH-4135 માં દારૂનો જથ્થો લાવ્યો હતો તે ડ્રાઇવર), (૬) ટ્રક નંબર RJ-18-GB-1258 નો માલિક, (૭) બોલેરો પીકઅપ નંબર GJ-07-YZ-1157 નો માલિક, (૮) ટાટા ઇન્ટ્રા નંબર GJ-05-CU-9250 નો માલિક, (૯) બોલેરો પીકઅપ નંબર MH-41-AU-1097 નો માલિક, (૧૦) બોલેરો પીકઅપ નંબર MH-04-JU-1766 નો માલિક અને (૧૧) ગોવાથી દારૂનો આ મોટો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરનો સમાવેશ થાય છે. એસએમસી અને સ્થાનિક પોલીસની ટીમો આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
