<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સેલેબ્રિટીઓ સાથે રીલ બનાવે,100 કરોડના બજેટમાં અનેક ફિલ્મો બનાવાની જાહેરાત :પ્રોડ્યુસર સામે વિરુદ્ધ લાખોની ઠગાઈની ફરિયાદ

સ્વિસ બેંકમાં 3400 કરોડ રૂપિયા હોવાનો દાવો પણ કર્યો તો :લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે, પોતાની ઓળખાણ ઊંચા હોદ્દાની આપનાર શખ્સે અનેક લોકોને ચૂનો ચોપડ્યો અને અંતે ફરાર થઈ ગયો

અમદાવાદ: એક એવો વ્યક્તિ તે પોતાને ફિલ્મ પ્રોડ્યુસર બતાવી, મોટી મોટી ઈવેન્ટમાં હાજરી આપી જાણીતા સેલેબ્રિટીઓ સાથે રીલ બનાવે, 100 કરોડના બજેટમાં અનેક ફિલ્મો બનાવવાની જાહેરાત કરે અને આવાસ યોજનામાં મકાનો અપાવવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે, પોતાની ઓળખાણ ઊંચા હોદ્દાની આપનાર શખ્સે અનેક લોકોને ચૂનો ચોપડ્યો અને અંતે ફરાર થઈ ગયો, આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રહેતી અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટનું કામ કરતી નિયતી જૈન નામની યુવતીને 9 મહિનાં પહેલા રાજેશ ઉર્ફે રાજભા રાઠોડ સાથે પરિચય થયો હતો, તે સમયે રાજેશે પોતાની ‘ક ખ ગ ઘ’ નામની ગુજરાતી ફિલ્મ આવે છે તેનું પ્રમોશનનું કામ નિયતી જૈનને સોંપ્યુ, જે બાદ તેણે પોતાની અન્ય 7 ફિલ્મોનું સોશિયલ મીડિયા પ્રમોશન કરવાનું કામ નિયતીને આપવાનું કહીને વાતોમાં ફસાવી હતી.

 

નિયતીને પિતા નથી તે વાત રાજેશ રાઠોડ જાણતો હતો એટેલ નિયતીને દિકરી માની સંબંધો કેળવ્યા, થોડા સમય બાદ રાજેશ રાઠોડે પોતાનાં પાસે આખા અમદાવાદનાં ઔડાનાં પાછા ખેચેલા મકાનો છે, જે પાછા ખેચેલા મકાન લેવું હોય તે જણાવવાનું કહેતા નિયતીએ હા પાડતા એક લાખ ટોકન પેટે લીધા, જોકે લાંબા સમય સુધી મકાન ન અપાવતા નિયતીએ વાત કરતા રાજેશ રાઠોડે પોતે ઔડાનો બોર્ડ ઓફ ડિરેક્ટર છે અને આઈ.બીનો નિવૃત ઓફિસર હોવાનાં નકલી પુરાવા બતાવી ભરોસો જીત્યો હતો. 

 

આરોપી રાજેશ રાઠોડે પોતાનાં સ્વિસ બેંકમાં 3400 કરોડ રૂપિયા હોવાનુ કહી તેમજ પોતાની રાજકારણમાં મોટી ઓળખાણ હોવાનું કહીને મોટી મોટી વાતો કરી, જેથી નિયતી તેની વાતોમાં ફસાઈ જતા પોતાનાં રોકાણની સાથે કામવાળા બેન સહિતનાં કુલ 12 લોકોએ રાજેશ રાઠોડને આવાસ યોજનામાં મકાન ખરીદવા માટે 24.50 લાખ રૂપિયા આપ્યા હતા, જોકે બાદમાં રાજેશ તમામને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ મકાન બતાવતો હતો અને ટૂંક સમયમાં ઔડામાંથી મકાન માટે ફોન આવી જશે તેવો ભરોસો અપાવતો હતો.

અંતે ભોગ બનનારાઓને શંકા જતા પૈસા પરત માંગતા તેણે ચેક આપ્યા હતા, જે તમામ ચેક બેંકમાં રિટર્ન થયા હતા, તેણે ભોગ બનનારાઓને ભરોસો અપાવવા માટે ખોટા એફિડેવિટ પણ કરાવ્યા હતા, અંતે તમામ લોકોએ ઔડામાં તપાસ કરતા રાજેશ રાઠોડનો ભાંડો ફૂટી ગયો અને તેની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

મહત્વનું છે કે આરોપી રાજેશ રાઠોડ પોતે જાણીતી સેલીબ્રિટી સાથે ફોટો વિડીયો પડાવી તે બતાવીને લોકોને ફસાવતો હતો, કરોડોની વાત કરીને લાખો રૂપિયા ઘરનાં ઘરનું સપનુ બતાવીને લઈને હાલ તે રફુચક્કર થઈ ગયો છે, તેવામાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી આરોપીની શોધખોળ શરૂ કરી છે, બીજી તરફ ભોગ બનનારાઓનું એવુ માનવુ છે કે તેણે અન્ય લોકો સાથે પણ બીજા બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેવામાં તેનાં પકડાયા બાદ ઠગાઈનો સાચો આંકડો જાણી શકાશે.

(11:52 PM IST)