News of Saturday, 12th September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન V ની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત : ગુજરાત સરકાર અને AKDN વચ્ચે સસ્ટેનેબલ અને સમાવેશી વિકાસ માટે સહયોગની નવી તકો અંગે ફળદાયી ચર્ચા
રાજ્ય સરકારની મિલેટ, સોલાર એનર્જી અને સહકાર ક્ષેત્રની સફળતાની મુખ્યમંત્રીએ વિગતો આપી : જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સાથે ભાગીદારી દર્શાવતા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન V એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની વૈશ્વિક વિકાસલક્ષી પહેલો અંગે રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલ પર સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા-પરામર્શ થયા હતા.
મહામહિમ પ્રિન્સ રહીમ આગા ખાન V શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ તથા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વંચિત તથા સંવેદનશીલ સમુદાયોના જીવનધોરણમાં સુધારણા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં મહામહિમ પ્રિન્સ રહીમ આગા ખાન V નું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગેની AKDN ની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
જળ સંરક્ષણને ગુજરાતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મહત્વપૂર્ણ પરિમાણ ગણાવતા મુખ્યમંત્રીએ રાજ્યમાં હાથ ધરાયેલા વિશાળ પાયાના વોટર કન્ઝર્વેશન, રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ અને જળાશયોના પુનઃસજીવનના પ્રયાસોની માહિતી આપી હતી તેમજ જળ સંરક્ષણે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું ઉમેર્યું હતું. મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં મિલેટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે 'મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ' અમલમાં મૂકવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન સોલાર એનર્જી ક્ષેત્રે પણ સહયોગની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. રાજ્યની સોલાર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 34,880 મેગાવોટ સુધી પહોંચી છે અને ‘પી.એમ. સૂર્ય ઘરઃ મુફ્ત બીજલી યોજના’ હેઠળ રાજ્યમાં 10 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 8.39 લાખથી વધુ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે.
સહકાર ક્ષેત્રે 'સહકાર સે સમૃદ્ધિ' ના મંત્ર સાથે ગુજરાતમાં 87 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત હોવાનું જણાવાયું હતું. પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) ને ગ્રામ્ય સ્તરે 'નાની કોર્પોરેટ કંપની' તરીકે વિકસાવવાના અભિગમ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત મહિલા સ્વાવલંબન ઇકોસિસ્ટમ હેઠળ તાલીમ આપી મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ દ્વારા આર્થિક રીતે સશક્ત બનાવવાની ક્ષમતાઓની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.
પ્રિન્સ રહીમ આગા ખાને રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ સંગીન કરવાની તત્પરતા દર્શાવી હતી અને પરસ્પર પૂરક ક્ષમતાઓના આધારે સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ તથા પીપલ-સેન્ટ્રિક ડેવલપમેન્ટ માટે સાથે મળીને કાર્ય કરવાનો સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય મુલાકાતમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
