<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૧૦૯ કરોડના ખર્ચે ગુજરાતના ચાર પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડોદરાના પ્રતાપનગર ખાતે પ્રેરક ઉપસ્થિતિ

પુનઃ નિર્મિત થયેલા પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત: ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશનોની ફૂલ સંખ્યા ૨૨ થઈ :મુખ્યમંત્રીએ પ્રતાપનગર ખાતે જૂના અને નવા સ્ટેશનની વિકાસયાત્રા દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદ : ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં વધુ એક ઐતિહાસિક કદમ માંડતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આજે 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ દેશના ૭૫ પુનઃવિકસિત રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં કુલ રૂ. ૧૦૯ કરોડના માતબર ખર્ચે ચાર નવા પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સહભાગી થયા હતા.
મુખ્ય કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ પ્રતાપનગરના જૂના સ્ટેશન અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવા સ્ટેશનના કાયાકલ્પને દર્શાવતા વિશેષ પ્રદર્શનને બારીકાઈથી નિહાળ્યું હતું.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે પ્રતાપનગર, ભક્તિનગર, પોરબંદર અને ગોધરા  એમ ચાર નવા સ્ટેશનો લોકસમર્પિત થવાની સાથે જ ગુજરાતમાં હવે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા અમૃત ભારત સ્ટેશનોની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મે-૨૦૨૫માં પણ વડાપ્રધાનશ્રી દ્વારા રાજ્યના ૧૮ પુનઃવિકસિત સ્ટેશનોનું લોકાર્પણ કરીને ગુજરાતમાં રેલવે માળખાના સતત વિકાસ અને આધુનિકીકરણને નવી ગતિ પ્રદાન કરવામાં આવી હતી.
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ કરવા માટે હાલમાં અન્ય ૮૭ રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે ભારતની રેલવેને આધુનિક બનાવવાના અભિયાનમાં રાજ્યની અગ્રેસર ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
પ્રતાપનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, વડોદરા રેલવે ડિવિઝનના મેનેજર સહિત રેલવેના અધિકારી-કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

(6:50 PM IST)