News of Friday, 27th November 2026
ભાજપાના ‘સેવા દૂત અભિયાન‘ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળા યોજાઈ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ બેઠકમાં અભિયાનના ઉદ્દેશો, આયોજન અને કાર્યસૂચિ અંગે અલ્પકાલીન વિસ્તારકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું:1 થી 25 ડિસેમ્બર દરમિયાન 182 વિધાનસભા દીઠ 2 સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે કાર્ય કરશે

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘સેવા દૂત અભિયાન‘ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળા યોજાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ‘સેવા દૂત અભિયાન‘ અંગે અભિયાનના પ્રદેશ સંયોજક અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને જનકલ્યાણના સંદેશ તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી દ્વારા 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2027 સુધી ‘સેવાદૂત અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વિધાનસભામાં 25 દિવસ સુધી 2 સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે કાર્ય કરશે.
આ અભિયાન અંતર્ગત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો, પ્રદેશ કક્ષાના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાનો અન્ય વિધાનસભા ક્ષેત્રમાં સેવા દૂત તરીકે જનતા વચ્ચે જશે. અભિયાનની કામગીરી સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બને તે માટે જિલ્લા સ્તરે એક સ્થાનિક આગેવાન સમન્વયક તરીકે જવાબદારી નિભાવશે.
ચૌહાણે જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આજની બેઠકમાં અભિયાનના ઉદ્દેશો, આયોજન અને કાર્યસૂચિ અંગે સેવા દુત તરીકે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં જનાર આગેવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. આ અભિયાન માત્ર જનસંપર્ક પૂરતું સીમિત નથી, પરંતુ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સંગઠન વચ્ચે જનતાને જોડવાની સાથે લોકોની સમસ્યાઓને સમજવા, તેમના ઉકેલ માટે પ્રયાસ કરવા તથા જનભાગીદારી વધારવાનું વ્યાપક અભિયાન છે.
તેમણે કહ્યું કે, સેવા દૂત તરીકે વિધાનસભામાં જનાર અલ્પકાલીન વિસ્તારકો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે અને વધુમાં વધુ પાત્ર નાગરિકો આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે પરામર્શ કરવામાં આવશે. સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓની સફળતાની કહાનીઓ, તેમના અનુભવો અને પ્રતિભાવોનું સંકલન કરવામાં આવશે, જેથી સરકારની યોજનાઓની વાસ્તવિક અસર અને લોકો સુધી પહોંચેલી સેવાઓનું મૂલ્યાંકન થઈ શકે.
આ ઉપરાંત, અભિયાન દરમિયાન નાગરિકોના સ્થાનિક પ્રશ્નોને ઓળખી તેના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવશે. સમાજમાં પ્રવર્તતા વિવિધ પ્રશ્નો અને નેરેટિવ અંગે લોકો સાથે સંવાદ સ્થાપી હકીકતલક્ષી માહિતી પહોંચાડવામાં આવશે. અભિયાનની દૈનિક કામગીરી, જનસંપર્કની વિગતો અને અન્ય પ્રવૃત્તિઓની માહિતીનું પ્રદેશ કક્ષાએ સંકલન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઝોન સ્તરે અભિયાનની તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે 26 નવેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળા યોજાઈ છે, જ્યારે આવતીકાલે દક્ષિણ ઝોન અને દાદરા નગર હવેલી વિસ્તારની બેઠક સુરત ખાતે યોજાશે.
ચૌહાણે અંતમાં જણાવ્યું હતું કે, ‘સેવાદૂત અભિયાન’ના માધ્યમથી સેવા, સંવાદ અને જનભાગીદારીને સંગઠનની કાર્યપદ્ધતિ સાથે જોડીને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી સ્તરે યોજાઈ રહેલા આ કાર્યક્રમને પક્ષની એક વિશેષ પહેલ છે, જેમાં જનકલ્યાણની યોજનાઓને વધુ વ્યાપક બનાવવાની તથા જનતા સાથે સીધો સંપર્ક કરી તેમની અપેક્ષાઓ જાણવાની કામગીરી કરવામાં આવશે.
આજની આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા તથા મહાનગરના અધ્યક્ષ અને પ્રભારી, અભિયાનની પ્રદેશ ટીમ, વિધાનસભા દીઠ સેવા દૂત તરીકે જનાર અલ્પકાલીન વિસ્તારકો, સમન્વયક સહિત અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
