તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભારતીય દૂધમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરીથી સળગતો સવાલ: દૂધ પીવાનું બંધ કરવું કે પેકેજિંગ બદલવું? જાણીતા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા!
સંશોધનમાં ફાર્મ-ફ્રેશ દૂધ કરતાં પેકેજ્ડ દૂધમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ચાર ગણું વધુ હોવાનું સામે આવ્યું; જાણકારોએ દૂધ છોડવાને બદલે પ્રોસેસિંગ અને પેકેજિંગમાં સુધારાની જરૂરિયાત ગણાવી.

ગાંધીનગર : ભારતમાં રોજિંદા આહારનો અતિ મહત્વનો અને સૌથી વધુ વિશ્વાસપાત્ર હિસ્સો ગણાતું દૂધ હવે માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરમાં પહોંચાડવાનું એક માધ્યમ બની રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલમાં જ 'જર્નલ ઓફ ફૂડ કમ્પોઝિશન એન્ડ એનાલિસિસ' અને ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા પૃથક્કરણમાં વ્યાપારી ધોરણે પેકેજ્ડ થતાં અને સ્થાનિક કાચા દૂધમાં માઇક્રોપ્લાસ્ટિક્સના કણો હોવાની પુષ્ટિ થઈ છે. અભ્યાસ અનુસાર ફાર્મ-ફ્રેશ દૂધમાં પ્રતિ લિટર સરેરાશ 17.8 માઇક્રોપ્લાસ્ટિક કણો જોવા મળ્યા હતા, જ્યારે છ જાણીતી બ્રાન્ડ્સના પેકેજ્ડ દૂધમાં આ પ્રમાણ પ્રતિ લિટર 37.8 થી 71.1 કણો સુધી - એટલે કે ચાર ગણું વધુ નોંધાયું હતું.
સંશોધકોના જણાવ્યા મુજબ, દૂધના પેકેજિંગમાં મોટા પાયે વપરાતા લો-ડેન્સિટી પોલિઇથિલિન અને પોલીપ્રોપીલિન પ્લાસ્ટિકના કણો જ દૂધમાં મુખ્યત્વે ભળતા હોવાનું પ્રયોગશાળા વિશ્લેષણમાં સાબિત થયું છે. ઉપરાંત, પશુઓ માટેની ચારાની થેલીઓ, દૂધ દોહવાના સાધનો, પ્રોસેસિંગ ફિલ્ટર્સ અને પેકેજિંગ થેલીઓમાંથી પ્લાસ્ટિક દૂધમાં પ્રવેશ કરે છે. જો કે નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે દૂધ પીવાથી તાત્કાલિક કોઈ રોગ થાય છે તેવું સાબિત થયું નથી, જેથી દૂધ પીવાનું બંધ કરવાની જરૂર નથી. પરંતુ, લાંબા ગાળે આ કણો પાચનતંત્ર અને હોર્મોન્સ પર બળતરા કે ઓક્સિડેટીવ તણાવ ઊભો કરી શકે છે. હાલના તબક્કે આરોગ્ય નિયમનકારો અને ડેરી ઉદ્યોગ માટે મુખ્ય સવાલ એ છે કે ગ્રાહકો સુધી દૂધ પહોંચે તે પહેલાં પ્લાસ્ટિક સાથેનો તેનો સંપર્ક કઈ રીતે ન્યૂનતમ કરી શકાય.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
