<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વોટર ક્રેડિટ સ્‍કીમની તૈયારીઃ ખેડૂતો સહિત લોકોને પાણી બચાવવાના બદલામાં મળશે પૈસા

ગુજરાતમાં હવે પાણી બચાવશો તો કમાણી પણ થશે બનાસકાંઠાના ગામોમાં ૧૦૯ ખેત તલાવડીઓના પાયલોટ અભ્‍યાસમાં ૧૩ કરોડથી વધુ વોટર ક્રેડિટ યુનિટ જનરેટ થયાં : વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળનું રિચાર્જ અને જળષાોતોના સંરક્ષણને મળશે આર્થિક પ્રોત્‍સાહન

નવી દિલ્‍હી તા.૨૪: ગુજરાતમાં પાણીની બચતને હવે માત્ર ખેતી અને રોજિદા જરૂરિયાત પૂરતી મર્યાદિત રાખવાને બદલે તેને આવકનું સાધન બનાવવાની તૈયારી છે. રાજ્‍ય સરકાર વોટર ક્રેડિટ સ્‍કીમ શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ ખેડૂતો, વ્‍યક્‍તિઓ અને અન્‍ય સંસ્‍થાઓ પાણી બચાવવા માટે કરેલા પ્રયાસોના બદલામાં ક્રેડિટ મેળવી શકશે અને આ ક્રેડિટ વેચીને કમાણી પણ કરી શકશે.

આ યોજનાનો હેતુ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળનું રિચાર્જ અને જળસ્રોતોનું સંરક્ષણ વધારવાનો છે. પાણી બચાવવા માટે સમય અને નાણાં ખર્ચનાર લોકોને આર્થિક પ્રોત્‍સાહન મળશે. એક અધિકારીના જણાવ્‍યા મુજબ, પાણીના માપી શકાય તેવા દરેક એકમની બચતને આર્થિક મૂલ્‍ય આપવાનો વિચાર છે. તેનાથી ખેડૂતો અને અન્‍ય લોકોને પાણીની ઉપલબ્‍ધતાના સીધા લાભ ઉપરાંત આવકનો વધારાનોસ્ત્રેત મળશે.

આ યોજનાની સંભાવના ચકાસવા બનાસકાંઠા જિલ્‍લામાં પાયલોટ અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. ‘ખેત તલાવડીઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ અને પુનઃઉપયોગ' નામના આ અભ્‍યાસમાં ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાનાં ૩૫ ગામોની ૧૦૯ ખેત તલાવડીઓનો સમાવેશ કરાયો હતો.

પ્રોજેક્‍ટના અહેવાલ મુજબ, આ તલાવડીઓની કુલ વરસાદી પાણી સંગ્રહ ક્ષમતા આશરે ૪૦૦ મિલિયન લિટર છે. તેમાંથી ૭૦ ટકા તલાવડીઓમાં જિયોમેમ્‍બ્રેનનું અસ્‍તર છે, જ્‍યારે બાકીની ૩૦ ટકા તલાવડીઓમાં માટી અને સિમેન્‍ટનું અસ્‍તર છે. આ વ્‍યવસ્‍થાને કારણે અમુક પાણી જમીનમાં ઊતરી ભૂગર્ભ જળનું સ્‍તર વધારવામાં મદદ કરે છે.

અહેવાલ મુજબ, ૨૦૨૧-૨૨ના ક્રેડિટ સમયગાળા દરમિયાન આ પ્રોજેક્‍ટથી વરસાદી પાણીની બચતના ૧,૩૦,૬૭૮ યુનિટ જનરેટ થયા હતા. દરેક આરઓયુ એટલે ૧,૦૦૦ લિટર પાણીની પાત્ર બચત. આ ક્રેડિટની ગણતરી યુનિવર્સલ વોટર રજિસ્‍ટ્રીના રેઇનવોટર ઓફસેટ યુનિટ માળખા હેઠળ કરવામાં આવી હતી.

પ્રસ્‍તાવિત વ્‍યવસ્‍થા હેઠળ પાણી બચાવવાના પાત્ર પ્રોજેક્‍ટનું મૂલ્‍યાંકન થશે. તેના દ્વારા કેટલી પાણીની બચત થઈ છે તેનું પ્રમાણ નક્કી કરીને સ્‍વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવશે. ત્‍યાર બાદ ક્રેડિટ જારી કરાશે, જેને સંભવિત ખરીદદારોને વેચી શકાશે. આ વ્‍યવહારમાંથી મળતી આવક પ્રોજેક્‍ટના માલિકોને મળશે. તેનાથી તેઓ પાણી સંરક્ષણનાં માળખાં ઊભાં કરવા અને તેની જાળવણી કરવા પ્રેરાશે.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ, કેન્‍દ્ર સરકારે ૨૦૨૩માં વોટર ક્રેડિટ અંગે સૂચના બહાર પાડી હતી, પરંતુ અત્‍યાર સુધી માત્ર એક પાયલોટ પ્રોજેક્‍ટ હાથ ધરાયો છે. પ્રોજેક્‍ટના અહેવાલમાં નાની ખેત તલાવડીઓ, રિચાર્જ કૂવા અને સોક પિટ બનાવવાની પ્રવૃત્તિને વોટર ક્રેડિટથી મળતી આવક પ્રોત્‍સાહિત કરી શકે તેવી સંભાવના દર્શાવાઈ છે. તેનાથી પાણી બચાવવાનાં કામ આર્થિક રીતે પણ ફાયદાકારક બનશે અને તેનો વ્‍યાપ વધારવામાં મદદ મળશે.

 

(3:27 PM IST)