<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ગુજરાતમાં મેઘરાજાના આગમનની તૈયારી: અમદાવાદ સહિત ૯ જિલ્લામાં ૪ જૂન સુધી ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી

પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ‘મિની વાવાઝોડા’ જેવો માહોલ, પવનની ગતિ વધતા હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની ચેતવણી

અમદાવાદ : ગુજરાતવાસીઓ માટે ગરમીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મે મહિનાના અંતિમ દિવસોમાં કાળઝાળ ગરમી બાદ હવે રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાની તૈયારી છે. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આવતીકાલથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વિધિવત પ્રારંભ થશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જો કે તેની સાથે બફારો અને ઉકળાટ પણ વધ્યો છે, જે વરસાદી માહોલના સ્પષ્ટ સંકેતો છે.

૪ જૂન સુધી વરસાદની તીવ્રતા રહેશે વધુ

હવામાન નિષ્ણાંતના મતે, આ પ્રી-મોન્સૂન એક્ટિવિટી ૩૧ મેથી ૮ જૂન સુધી ચાલશે, જેમાં ૪ જૂન સુધી વરસાદની તીવ્રતા ખાસ કરીને વધુ જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસી શકે છે.

મિની વાવાઝોડાની દહેશત

હવામાન નિષ્ણાંતે ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ પ્રી-મોન્સૂન વરસાદ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ અસાધારણ રીતે વધી શકે છે. જેને કારણે ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તોફાની પવનના કારણે કાચા મકાનોના છાપરા ઉડવા, રસ્તા પરના હોર્ડિંગ્સ પડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની શકે છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. જો કે, આ વરસાદ વાવણી લાયક નહીં હોય, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

તાપમાનનો પારો ગગડ્યો, ચોમાસાનું આગમન સમયસર

લાંબા સમયથી ૪૩ ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન હવે ૪૦ ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે. આજે સુરેન્દ્રનગર ૪૧.૩ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં ૪૦ ડિગ્રી નોંધાયું હતું. હાલમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં ચોમાસું તેના નિર્ધારિત સમય એટલે કે ૧૨ થી ૧૫ જૂનની આસપાસ જ બેસશે તેવી પ્રબળ શક્યતાઓ છે. હાલની આ વરસાદી હિલચાલ માત્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે, જે ગરમીથી થોડી રાહત ચોક્કસ અપાવશે.

(11:30 PM IST)