News of Saturday, 20th June 2026
ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલની તૈયારી : પાંચ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની યાદીઓ મંગાવાઈ
રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી. એસ. મલિકના આદેશ બાદ તમામ રેન્જ આઈજી અને એસપી એક્શનમાં : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ આંતરિક સમીક્ષા સાથે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરાતા 'કહી ખુશી કહી ગમ' નો માહોલ : સત્તાવાર જાહેરાત પૂર્વે જ પોલીસ બેડામાં સંભવિત બદલીઓને લઈને ભારે ગણગણાટ

રાજકોટ : ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત, પારદર્શક અને અસરકારક બનાવવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સુધારાત્મક પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી. એસ. મલિક દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા એક જ સ્થાchecklist પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સઘન યાદી તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, નવી જવાબદારી સંભાળ્યા બાદ ડીજીપી મલિક રાજ્યના વરિષ્ઠ અને જુનિયર આઈપીએસ અધિકારીઓ, વિવિધ રેન્જના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તેમજ મહાનગરોના પોલીસ કમિશનરો સાથે સતત વિડિયો કોન્ફરન્સ યોજી રહ્યા છે. આ બેઠકો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવાની સાથે પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને જનતા પ્રત્યે જવાબદાર બનાવવા માટે આ વહીવટી ફેરબદલનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે.
રાજ્યવ્યાપી સ્તરે શરૂ થયેલી આ પ્રક્રિયાના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશનો અને વિવિધ શાખાઓમાંથી લાંબા સમયથી ચીટકેલા કર્મચારીઓની આંકડાકીય અને વહીવટી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. સંબંધિત રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) અને શહેર પોલીસ કમિશનર કચેરીઓ દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરીને વડી કચેરીએ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ વિભાગના ઉચ્ચ વર્તુળોનું માનવું છે કે આ યાદી આખરી ઓપ લઈ લે ત્યાર બાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવીને ગમે ત્યારે સામૂહિક બદલીઓનો મોટો ગંજીપો ચીપકવામાં આવી શકે છે.
બીજી તરફ, સુરત શહેરમાં પણ આ આદેશને પગલે વહીવટી તંત્ર દોડતું થયું છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી સમયમાં આવતા વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે વિશેષ બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને કાયદો-વ્યવસ્થા અંગેનો એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આ વ્યૂહાત્મક કામગીરીની સાથે સાથે ડીજીપીના આદેશનું પાલન કરીને સુરત કમિશનરેટ હેઠળના પાંચ વર્ષથી વધુ સમય ધરાવતા કર્મચારીઓની યાદી પણ તૈયાર કરાવવામાં આવી રહી છે.
પોલીસ મુખ્યાલય દ્વારા જો આ સામૂહિક બદલીના આયોજનને લીલી ઝંડી આપવામાં આવશે તો સુરત સહિત રાજ્યના અનેક મહાનગરો અને સરહદી જિલ્લાઓમાં મોટા પાયે સત્તાવાર ફેરબદલ જોવા મળશે. સત્તાવાર જાહેરાત પૂર્વે જ પોલીસ બેડામાં આ સંભવિત બદલીઓને લઈને ભારે ગણગણાટ અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. લાંબા સમય બાદ થનારી આ મોટી બદલીના એંધાણને કારણે કર્મચારીઓમાં પણ મિશ્ર પ્રતિસાદ છે. કેટલાક કર્મચારીઓ નવી જગ્યાએ કામ કરવા ઉત્સાહિત છે તો કેટલાક બદલાતા સ્થળને કારણે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે, જેના લીધે હાલ પોલીસ મથકોમાં “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
