<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

બેચરાજી રેલવે સ્ટેશન ખાતે મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાના શુભારંભની તૈયારીઓ પૂરજોશમાં : મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ અને સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક

આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રસ્થાન પામનારી આ નવી રેલ સેવાને લઈને વેપારી મંડળ અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ : સમારંભમાં મોટી સંખ્યામાં જોડાવા કરાયું આહ્વાન

બેચરાજી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા બેચરાજી રેલવે સ્ટેશન ખાતે આગામી નવી રેલ સેવાના શુભારંભને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભમાં તાજેતરમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તથા મહેસાણાના લોકપ્રિય સાંસદ હરિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેચરાજી રેલવે સ્ટેશન ખાતે મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થાનિક નાગરિકો, બેચરાજી વેપારી મંડળના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ બેચરાજી સબ્જી મંડી એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેઠક દરમિયાન આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ કે પ્રત્યક્ષ માધ્યમથી પ્રસ્થાન કરનાર 'મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ રેલ સેવા' ના શુભારંભ અને તેના આયોજનની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપરોક્ત નવી રેલ સેવા શરૂ થવાથી ક્ષેત્રના લાખો મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ જગતજનની શ્રી બહુચર માતાજીના દર્શનાર્થે પધારતા દેશભરના શ્રદ્ધાળુઓને મળનારી સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ એસોસિએશનોના પ્રતિનિધિઓને આગામી ૩૦ ઓક્ટોબરના રોજ બેચરાજી રેલવે સ્ટેશન ખાતે યોજાનાર આ ઐતિહાસિક શુભારંભ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અવસરના સહભાગી બનવા હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી મેમુ રેલ સેવા શરૂ થવાથી બેચરાજી અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી અત્યંત મજબૂત બનશે. આના પરિણામે માત્ર ધાર્મિક પ્રવાસનને જ વેગ નહીં મળે, પરંતુ સ્થાનિક વેપાર-ઉદ્યોગ, રોજગારી અને ક્ષેત્રિય આર્થિક ગતિવિધિઓને પણ મોટું પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(2:39 PM IST)