તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કડીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઊડ્યા :મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ
હજુ આખું ચોમાસું બાકી છે ત્યારે પહેલા જ વરસાદે તંત્રની નબળી કામગીરી અને જળનિકાલની જૈસે થે સમસ્યાની પોલ ખોલી દીધી

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ચોમાસાના સત્તાવાર પ્રારંભની સાથે જ સ્થાનિક વહીવટીતંત્રની નબળી કામગીરી જાહેરમાં આવી ગઈ છે. કડી નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. જો કે, સીઝનના પહેલા જ સામાન્ય વરસાદે પાલિકાના આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે અને સમગ્ર શહેરી વિસ્તારમાં પ્રિમોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઊડી ગયા છે.
કડી પંથકમાં મેઘરાજાના આગમન સાથે માત્ર 1 ઇંચ જેટલો નજીવો વરસાદ નોંધાયો હતો. આટલા ઓછા વરસાદમાં પણ કડીનો મુખ્ય રેલવે અંડરપાસ અથવા નાળુ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અંડરપાસની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ રહી ન હતી. પહેલા જ વરસાદમાં અંડરપાસ પાણી-પાણી થઈ જતાં સ્થાનિક તંત્રના પાણીના નિકાલના દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે.
આ અંડરપાસ શહેરમાં અવરજવર કરવા માટેનો એક અત્યંત મહત્વનો માર્ગ છે, જેથી તેમાં પાણી ભરાઈ જતાં હજારો વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હજુ તો આખું ચોમાસું બાકી છે, ત્યારે પહેલા જ વરસાદમાં જો આવી બદતર સ્થિતિ થતી હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન અંડરપાસની સમસ્યા 'જૈસે થે' જ રહેશે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
