<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

મંગળવારથી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા: અંબાલાલ પટેલની મોટી આગાહી

અરબ સાગર વધુ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા :રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો નીચે આવી શકે

અમદાવાદ :પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમીના પારામાં ઘટાડો થવાની અને ચોમાસાની શરૂઆત અંગેની મહત્વની આગાહી કરી છે. અરબ સાગર વધુ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે ગરમીનો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થશે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો નીચે આવી શકે છે.

મધ્ય અને ઉત્તર ગુજરાત: મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 41 થી 42 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, સુરેન્દ્રનગરના ભાગોમાં તાપમાન થોડું વધારે નોંધાઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારો: જામનગરમાં 35 ડિગ્રી અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પારો 32 ડિગ્રીની આસપાસ રહેતા ગરમીથી મોટી રાહત મળશે.

ગરમીમાં ઘટાડાની સાથે અંબાલાલ પટેલે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમન અંગે પણ મોટી જાહેરાત કરી છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી: આગામી તારીખ 19 મે થી 23 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.

નવી સિસ્ટમ: તારીખ 22-23 મે ના રોજ દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય બની શકે છે.

કેરળના દરિયાકાંઠે આગામી તારીખ 24-25 મે ની આસપાસ ચોમાસું પહોંચી જવાની શક્યતા છે, જેના કારણે અરબ સાગર વધુ સક્રિય બનશે અને ગુજરાતમાં પણ વહેલા વરસાદની આશા બંધાશે.

(1:59 PM IST)