<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરતના બાંધકામ જગતમાં RTI ના બહાને 20 લાખની ખંડણી માંગનાર પ્રશાંત કાછડીયાને દબોચી લેવાયો

ચોકબજાર પોલીસે ફરાર આરોપીને કતારગામથી ઝડપી લીધો : બાંધકામ તોડી પાડવાની ધમકી આપી બિલ્ડર પાસે માંગી હતી લાખોની રકમ

સુરત:શહેરમાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને નિશાન બનાવી RTI ના નામે ખંડણી ઉઘરાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની જંગી ખંડણી માંગવાના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી પ્રશાંત કાછડીયાની ધરપકડ કરવામાં આવી છે.

 

આ સમગ્ર મામલાની વિગત મુજબ, ફરિયાદી કોન્ટ્રાક્ટરના કતારગામ વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં ચાર પ્લોટ આવેલા છે. આરોપી પ્રશાંત કાછડીયાએ આ બાંધકામ સામે મહાનગરપાલિકામાં RTI કરી હતી. ત્યારબાદ, તેણે બાંધકામ ગેરકાયદે હોવાનું કહીને તેનું ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપી હતી. જો કોન્ટ્રાક્ટર ડિમોલિશન અટકાવવા માંગતા હોય તો તેણે 20 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરવામાં આવી હતી.

 

 

ભયના મારે ફરિયાદીએ શરૂઆતમાં આરોપીને 50 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, પ્રશાંત કાછડીયાની લાલચ આટલેથી અટકી નહોતી. તે બાકીના 19.50 લાખ રૂપિયા માટે સતત દબાણ કરી રહ્યો હતો અને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપી રહ્યો હતો. આ અંગે ફેબ્રુઆરી 2026 માં ચોકબજાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો-ફરતો હતો. અંતે, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચોકબજાર પોલીસે પ્રશાંત કાછડીયાને ઝડપી પાડ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ અન્ય કેટલા બિલ્ડરોને આ પ્રકારે નિશાન બનાવ્યા છે.

(8:29 PM IST)