તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
અમદાવાદના સનાતન રામધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલે શ્રીરામ દરબારના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
૯૦ વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિર્ણોદ્ધાર : ૧૦ દિવસીય મહોત્સવના સમાપન અવસરે દિલીપદાસજી મહારાજ સહિતના સંતોની નિશ્રામાં મુખ્યમંત્રી મહાઆરતીમાં સહભાગી થયા

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ વર્ષો જૂના શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે આ મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓના શાસ્ત્રોક્ત વિધિ મુજબ દર્શન-પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે મહાઆરતીમાં ભાગ લઈ રાજ્યના તમામ નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન સમક્ષ મંગલ કામના કરી હતી.
યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી કાયાકલ્પ
થલતેજ સ્થિત આ રામધામ મંદિર આશરે ૯૦ વર્ષ જેટલું પુરાણું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના ઉમદા સહયોગથી આ મંદિરનો ભવ્ય જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. મુખ્યમંત્રીએ ભક્તિ અને સનાતન સંસ્કારોના કેન્દ્ર સમાન આ રામધામ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિરના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે વાતાવરણ 'જય શ્રી રામ' ના નાદ અને 'શ્રી રામધૂન' થી ગુંજી ઉઠ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓનું મહેરામણ
આ મંગલમય અવસરે અમદાવાદ જગન્નાથ મંદિરના પીઠાધીશ મહંત દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી સહિતના અનેક સંતો-મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટીઓ, ઉદાર હાથે દાન આપનાર દાતાઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને નવનિર્મિત રામ દરબારના દર્શનનો લાભ લીધો હતો.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
