News of Friday, 27th November 2026
પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં રેવા પાર્ક ગાર્ડન ખાતે આયોજીત ‘વિશ્વ કલ્યાણ મહોત્સવ’માં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
માતા-પિતાની અવગણના કરનારાઓનું દાન ના સ્વીકારો અને આવા તત્વોનો સમાજમાંથી બહિષ્કાર કરો: હર્ષ સંઘવી : ટેકનોલોજી અને માહિતીના યુગમાં સંબંધોમાં સંવેદના અને વિવેક ટકાવી રાખવા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાર મૂક્યો

અમદાવાદ તા.૨૭ : વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગાર્ડન ખાતે શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ નિમિત્તે આયોજિત ‘વિશ્વ કલ્યાણ મહોત્સવ’માં ઉપસ્થિત રહી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી. આ અવસરે તેમણે વૈષ્ણવ યુવા આચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ શ્રી આશ્રયકુમારજી અને પ.પૂ.ગો. ૧૦૮ શ્રી શરણમકુમારજી સહિત ઉપસ્થિત સંતગણ તથા મહાનુભાવોને ભાવવંદન કર્યા હતા.
સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઝડપી ટેકનોલોજી અને માહિતીના આજના સમયમાં સંપર્કો વધ્યા છે, પરંતુ સંબંધોમાં સંવેદના, વિવેક અને સંતોષ ટકાવી રાખવા અત્યંત જરૂરી છે. તેમણે આધ્યાત્મિક મહિમા રજૂ કરતાં "દીન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારી મહિમાનો ના કોઈ પાર" પંક્તિ ટાંકી સેવા અને સંસ્કારના સમન્વય પર ભાર મૂક્યો હતો.
માતા-પિતા પ્રત્યેની સામાજિક જવાબદારીનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે તેવી વ્યવસ્થા ઊભી કરવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માતા-પિતાની અવગણના કે અસંવેદનશીલ વર્તન કરનાર વ્યક્તિઓનું ફંડ, બોલી કે દાન સમાજે ન સ્વીકારવું જોઈએ તેમજ સમાજમાંથી બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લેવો જોઈએ.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહારાજશ્રીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે પ્રાર્થના કરી સમાજસેવા તથા સંસ્કાર સંવર્ધનના કાર્યોમાં સદાય સહયોગની ખાતરી આપી હતી.
ષષ્ઠીપૂર્તિ મહોત્સવમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વડીલો, યુવાનો તેમજ વડોદરા સહિત રાજ્યભર અને દેશ-વિદેશથી આવેલા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
