<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

પ્રચંડ શકિતશાળી શિકારી પરભક્ષી પ્રાણીઓ દ્વારા પોતાના શિકારનું જ લાલન-પાલન થતું હોવાની આヘર્યજનક અને રોમાંચક સત્‍ય ઘટનાઓ

રાષ્‍ટ્રીય વન્‍ય પ્રાણી સપ્તાહ - ૨૦૨૬ : વડોદરા પાસે અંટોલી ગામમાં એક દિપડી દરરોજ સાંજે આવીને ગાય પાસે બેસતી, ગાય પણ તેની સાથે પોતાની વાછડી જેવું વર્તન કરતી : વાડામાં બેઠેલા ઘેટા-બકરાઓ ઉપર દિપડીએ કોઇ દિવસ હુમલો કર્યો ન હતો ! : ગીરના બીટ ગાર્ડ સુલેમાન ભાઇ અને રાજુ નામના સિંહ વચ્‍ચે પિતા-પુત્ર જેવો નાતો હતો ! : છેલ્લા થોડા મહિનાઓથી બૃહદ ગીરમાં મનુષ્‍યો-સિંહો તથા મનુષ્‍યો-દિપડા વચ્‍ચે વધેલા ઘર્ષણ બાદ લોકો કહેવા લાગ્‍યા છે કે સિંહોનો સ્‍વભાવ બદલાઇ ગયો છેઃ હકિકતમાં સિંહોનો સ્‍વભાવ નથી બદલાયો પણ મંજુરી વગરના રિસોર્ટસ, હોટેલો, હોમસ્‍ટેના કારણે ડીજેના અવાજો, ડાન્‍સ પાર્ટીઓ, ગેરકાયદે લાયન શો, વન્‍ય પ્રાણીઓને ખુબ જ ખલેલ પહોંચાડતા હોવાથી ભુખ્‍યા અને ખીજાયેલા સિંહો દ્વારા હુમલા થાય છે

‘જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ'. રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા આલેખિત લોકપ્રિય કાલ્‍પનિક કથા જંગલ બુકમાં વરુ, રીંછ, દીપડા, જેવા હિંસક પ્રાણીઓનાં પાલનથી મોટો થતો બાળક મોગલી હોય કે એડગર રાઈસ બરો સર્જીત વાર્તાનો આફ્રિકાના જંગલોમાં એપસ (મનુષ્‍યની જેમ બે પગે ચાલી શકતા બુદ્ધિશાળી મોટા વાનરો)એ ઉછેર કરેલ ટારઝન (એટલે કે શ્વેત ત્‍વચા) નો પરાક્રમી મનુષ્‍ય હોય, તેઓ જાણે જીવંત પાત્રો હોય તેમ નાનાં-મોટાં સૌને રોમાંચિત કરી દે છે.

કુદરતે જે પ્રચંડ શક્‍તિશાળી શિકારી પરભક્ષી પ્રજાતિઓનું સર્જન કરેલ છે, તેમાં પણ અતિશય આ?ર્યજનક થાય તેવી સત્‍ય ઘટનાઓ બનેલી છે. પૂર્વ આફ્રિકાના સેરેંગીટી નેશનલ પાર્કમાં હરણનાં બચ્‍ચાંને જાણે પોતાનું જ બચ્‍ચું હોય તેવી રીતે એક સિંહણ સાચવતી હતી. બચ્‍ચું ભૂખ લાગે ત્‍યારે તેની માતા પાસે જઈ દૂધ પી ને પાછું સિંહણ પાસે આવી જતું. સિંહણ પણ આ સમયે દૂર બેઠી રહેતી! દક્ષિણ આફ્રિકામાં લાકાડીમા નામની દીપડીનું ફિલ્‍મિંગ થઈ રહ્યું હતું. એક વખત તેણે બબૂન (વાનર)નો શિકાર કર્યો. આ એક માદા હતી અને તે ગર્ભવતી હતી. તેના ગર્ભ માંથી એક સાવ નાનું બચ્‍ચું જીવિત હાલતમાં મળ્‍યું. લાકાડીમાને શું થયું કે જાણે તે પોતાનું જ બચ્‍ચું હોય તેવી રીતે સંભાળીને રાખવા લાગી! બીજાં પરભક્ષીઓથી સુરક્ષિત રાખવા તેને એક વળક્ષની ડાળ પર લઈ ગઈ! આ સમગ્ર ઘટના નેશનલ જીયોગ્રાફિક દ્વારા બનાવેલ ડોકયુમેન્‍ટરી આઈ ઓફ ધ લેપર્ડ  માં અંકિત થઈ ગઈ છે. 

૧૯૬૬ માં સત્‍ય ઘટનાઓ આધારિત બોર્ન ફ્રી નામની ફિલ્‍મ બની હતી. જ્‍યોર્જ અને જોય એડમસન દંપતીએ દાયકાઓ સુધી જંગલમાં માતા થી છુટા પડી ગયેલા ચિત્તા, દિપડા અને મુખ્‍યત્‍વે સિંહોનાં કુલ ૩૦ જેટલાં બચ્‍ચાંઓને ઉછેરીને કુદરતી વાતાવરણમાં છોડ્‍યાં હતાં. કેટલાંકને તો સર્કસ માંથી પણ લાવીને જંગલમાં મુક્‍ત કર્યા હતાં. વનમાં તો બચ્‍ચાં તેની માતા પાસેથી શિકાર કરતા શીખે છે, પરંતુ અનાથ બચ્‍ચાંઓને શિકાર કરતા શીખવાડવાનું ખૂબ જ મુશ્‍કેલ કાર્ય એડમસન દંપત્તિ કરતાં. સિંહનું આયુષ્‍ય ૧૨ થી ૧૫ વર્ષ હોય છે, પરંતુ બોર્ન ફ્રી ફિલ્‍મ જોઈ હોય તેનાં માનસ પટલ પર સિંહણ એલ્‍સા આજે ૬૦ વર્ષો પછી પણ અમર છે!

આપણાં ગુજરાત રાજ્‍યમાં પણ આવા અદભુત કિસ્‍સા બનેલા છે. વડોદરા પાસે અંટોલી ગામમાં એક દીપડી લગભગ દરરોજ સાંજના સમયે આવતી અને એક ગાય પાસે આવીને બેસતી. ગાય પણ જાણે પોતાની વાછડી હોય તેવું વર્તન કરતી! આ દીપડી જે રસ્‍તે થી આવતી ત્‍યાં એક વાડામાં ઘેટાં-બકરાં રાખેલાં હતાં, પરંતુ તેણે કોઈ દિવસ એક પણ પશુ પર હુમલો કરેલ નહીં. ગામનાં લોકો પણ દૂર ઊભા રહી તેને નિહાળતા. વડોદરાનાં મારાં બે મિત્રો રોહિતભાઈ વ્‍યાસ, તત્‍કાલીન ડિસ્‍ટ્રિક્‍ટ વાઇલ્‍ડ લાઇફ વોર્ડન અને મનોજભાઈ ઠાકર દ્વારા આ સમગ્ર રેર ઘટના નું ડોકયુમેન્‍ટેશન થયેલું છે.

ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍ય પ્રાણી અભયારણ્‍યમાં એક બીટ ગાર્ડ સુલેમાનભાઈ અને રાજુ નામથી ઓળખાતો સિંહ, એ બંનેનો સંબંધ પિતા-પુત્ર જેવો હતો! સુલેમાનભાઈની ડ્‍યુટી જ્‍યાં હોય, રાજુ પણ તેમની જૂની ટેરીટરી છોડીને સુલેમાન ભાઈની નવી બીટમાં આવી જતો! પહેલી જૂન ૨૦૧૫ ના રોજ રાજુ નું અવસાન થયું ત્‍યારે સુલેમાન ભાઈએ મને આંખોમાં આંસુ સાથે કહ્યું કે મારો દીકરો ગુજરી ગયો!

છેલ્લાં  થોડાં મહિનાઓમાં બળહદ ગીરમાં મનુષ્‍યો-સિંહો તથા મનુષ્‍યો-દીપડા વચ્‍ચે કોન્‍ફ્‌લીકટ્‍સ (ઘર્ષણ)ની ઘટનાઓ વધી ગઈ છે. લોકો એવું કહેવા લાગ્‍યા છે કે સિંહોનો સ્‍વભાવ બદલાઈ ગયો છે. હકીકતમાં સિંહોનો સ્‍વભાવ નથી બદલાયો, પરંતુ કેટલાંક લોકોની લાલચ વધી ગઈ છે. ગીર વન્‍ય પ્રાણી અભયારણ્‍યની ફરતે મંજૂરી વગરના અનેક રિસોર્ટ્‍સ, હોટેલો અને હોમ સ્‍ટે બની ગયા છે. રાત્રે મોડે સુધી ડીજેના અવાજો, ડાન્‍સ પાર્ટીઓ, ફટાકડા અને ગેરકાયદેસર લાયન શો વન્‍ય પ્રાણીઓને ખૂબ જ ખલેલ પહોંચાડે છે. સિંહોને વાહનોથી ઘેરી લેવામાં આવે છે. સિંહો કયારેય મનુષ્‍યો પર હુમલો કરતાં નથી. તેમનો કુદરતી ખોરાક ચોપગા પ્રાણીઓ છે, પરંતુ પૈસાની લાલચે  લાયન શો કરવાવાળા તેમને દરરોજ ઘેરીને રોકી રાખે છે, તેથી શિકાર કરી શકતા નથી. પરિણામે ભૂખ્‍યા અને ખીજાયેલા સિંહો દ્વારા હુમલા થાય છે.

ગીર પૂર્વમાં ધારી પાસે ખીચા ગામમાં એક સંપૂર્ણપણે ગેર કાયદેસર રિસોર્ટ બે-રોકટોક ચાલી રહ્યો છે. ભૂતકાળમાં તેને રહેણાંક માટે મકાન બાંધવાની મંજૂરી મળી હતી. ત્‍યાં તેણે હોમ સ્‍ટે/રિસોર્ટ ચાલુ કરી દીધો છે. સિંહોને નિયમિત રીતે મારણ આપીને પ્રવાસીઓ પાસેથી અઢળક નાણાં લઈ આ પ્રવળત્તિ ચાલી રહી છે. કલેક્‍ટર શ્રી દ્વારા તેની મંજૂરી પણ રદ થઈ ગઈ છે, છતાં આ પરિસ્‍થિતિ છે. સાસણ-ગીર રેલવે સ્‍ટેશન નાં પ્‍લેટફોર્મ પર ૨૦૧૬ માં ૮૦૦૦ સ્‍ક્‍વેર ફૂટમાં બિનજરૂરી રીટાયરીંગ રૂમ બનાવવામાં આવેલ. સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફનાં સભ્‍યોનાં વિરોધ છતાં રીટાયરીંગ રૂમ બનાવવાની દરખાસ્‍ત મંજૂર કરી, નેશનલ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફમાં મોકલાવવામાં આવેલ. રેલવે સત્તાવાળાઓ આ રૂમને માત્ર રીટાયરીંગ રૂમ તરીકે જ વાપરશે તે શરત સાથે મંજૂરી આપવામાં આવેલ. આધારભૂત માધ્‍યમો દ્વારા જાણવા મળે છે કે અહીં ૧૦ ઓગસ્‍ટ ૨૦૨૬ થી હોલીડે હોમ શરૂ કરી દેવામાં આવ્‍યું છે. ગીર ઇકો-સેન્‍સિટિવ ઝોન માં અભયારણ્‍યની બહાર ૦ થી ૧ કિલોમીટરમાં કોઈપણ વાણિજ્‍ય પ્રવળત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જ્‍યારે આ સ્‍થળ તો ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍ય પ્રાણી અભયારણ્‍ય ની અંદર છે.

સિંહોનો એક્‍ટિવ કોરિડોર છે. વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ અને ફોરેસ્‍ટ કન્‍ઝર્વેશન એક્‍ટ, ૧૯૮૦ ની જોગવાઈઓ હેઠળ આ જગ્‍યાનો હેતુફેર એક ગુનાહિત કળત્‍ય છે. તેનાં પર વન વિભાગના સક્ષમ અધિકારીઓએ તાત્‍કાલિક પગલા લેવા જોઈએ. ગીર આરક્ષિત વિસ્‍તારો અને બળહદ ગીર માં સિંહોનાં રહેણાંક વિસ્‍તારો અને કોરિડોર્સ છીનવાઈ જતાં મનુષ્‍ય-સિંહ વચ્‍ચે  કોન્‍ફ્‌લીકટ્‍સનાં બનાવો ખૂબ જ વધશે.

મેં શરૂઆતમાં મનુષ્‍યો અને સિંહો વર્ષોથી કેટલું શાંતિપૂર્ણ સહ-અસ્‍તિત્‍વ ધરાવે છે તેનાં ઉદાહરણો આપ્‍યાં. વન્‍ય પ્રાણીઓ તેમજ મનુષ્‍યોની વસ્‍તી વધી રહી છે. થોડી સમજ અને થોડી તકેદારીઓ રાખવાથી બંને વચ્‍ચે કોન્‍ફ્‌લીકટ્‍સ નિવારી શકાશે. લોકો તેમના આર્થિક લાભ માટે માંગણીઓ કરે છે, અને તે સમજી શકાય છે પરંતુ વન્‍ય જીવો બોલી શકતા નથી. તેમની પણ જરૂરિયાત પ્રમાણે નિષ્‍પક્ષ નિર્ણયો લેવા જોઈશે.

ગુજરાતમાં ૮૯૧ સિંહો છે. દોઢ વર્ષથી એક વાઘ આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે રહે છે. આફ્રિકામાં એક સમયે એક લાખથી વધારે ચિત્તા હતાં. હાલ માત્ર ૬૫૦૦ થી ૭૦૦૦ જ બચ્‍યા છે. ભારતમાં ચિત્તા રીઇન્‍ટ્રોડક્‍શન  પ્રોજેક્‍ટ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં શરૂ થયો હતો. ત્રણ તબક્કે કુલ ૨૮ ચિત્તા આયાત કરવામાં આવ્‍યા હતાં. હાલ તેની સંખ્‍યા ૫૫ થઈ છે. ઘણી આનંદની બાબત છે કે આ ખૂબ જ મુશ્‍કેલ ઇન્‍ટર કોન્‍ટિનેન્‍ટલ પ્રોજેક્‍ટ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આ બધાં પરભક્ષીઓને મોટાં કુદરતી વન વિસ્‍તારો, અવરજવર કરવાનાં કોરિડોર્સ, પૂરતો પ્રે-બેઇઝ, વિગેરે મળી રહે તેનું આયોજન અત્‍યારથી કરવું જરૂરી છે.

વિશ્વને અહિંસા અને જીવદયા નો સંદેશ આપનાર મહાત્‍મા ગાંધીજી નાં જન્‍મદિવસ એટલે કે બીજી ઓક્‍ટોબરથી વન્‍ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે કે કુદરતી વન વિસ્‍તારોનું સંરક્ષણ થાય, તેમનું ફ્રેગ્‍મેન્‍ટેશન (ટુકડા) ન થાય અને વન્‍ય પ્રાણીઓ નાં કોરિડોર્સ જળવાઈ રહે.

અકિલા દૈનિકનાં પર્યાવરણ પ્રેમી વાંચકોને રાષ્‍ટ્રીય વન્‍ય પ્રાણી સપ્તાહની અનેક શુભેચ્‍છાઓ.

ભૂષણ પંડ્‍યા

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ,

વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર

મોબાઈલ નંબર :

૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

ઈમેઇલઃ bhushanncl@ yahoo.co.in

આલેખન અને તસ્‍વીરો : ભૂષણ પંડ્‍યા

 

(2:13 PM IST)