તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા:રેડ એલર્ટ જાહેર: વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ: શાળા-કોલેજોમાં રજા
જિલ્લા અને તાલુકા કક્ષાએ 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે, તેમજ ઓલપાડમાં NDRF અને માંગરોળમાં SDRFની ટીમોને તૈનાત

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે, જેને પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 228 મિમી વરસાદ નોંધાયો છે, જેમાં અંબિકા તાલુકામાં 389 મિમી અને પલસાણામાં 362 મિમી સાથે સૌથી વધુ વરસાદ થયો છે.
વર્તમાન વરસાદી માહોલ વચ્ચે સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો અને જળાશયો હાલમાં ભયજનક સપાટીથી નીચે છે, જેથી પૂર જેવી કોઈ ગંભીર સ્થિતિ નથી. કલેક્ટરના જણાવ્યા અનુસાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે ફરિયાદો હતી, તેનો સંબંધિત વિભાગો દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મહુવા તાલુકાના બે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા ત્યાં વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે, તેમજ ઓલપાડમાં NDRF અને માંગરોળમાં SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. સાંસદ ધવલ પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ચીખલીમાં 8 ઇંચ અને વલસાડમાં 7 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વલસાડ અને ડાંગના કલેક્ટર સાથે સંકલન સાધીને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે અને તેમના માટે આશ્રયસ્થાનોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડમાં 27 અને વાંસદામાં 42 જેટલા રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા છે. સાંસદે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીએ કોઈપણ મદદ માટે તંત્રને સજ્જ રહેવા સૂચના આપી છે. વન વિસ્તાર કે કાંઠા વિસ્તારમાં અટવાયેલા લોકોને મદદ કરવા માટે NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.
વર્તમાન વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને સાંસદ બંને દ્વારા નાગરિકોને કેટલીક સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદ દરમિયાન નદી-નાળા કે કોઝવે પાર ન કરવા, વીજળીના થાંભલા કે જર્જરિત હોર્ડિંગ્સથી દૂર રહેવા અને કોઈપણ મુશ્કેલીના સમયે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. તંત્ર સંપૂર્ણપણે સતર્ક હોવાથી ગભરાયા વગર સહકાર આપવા માટે જણાવાયું છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
