<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

રાજકોટના લોકપ્રિય પૂર્વ કલેક્‍ટર અને સીએમઓના અધિક અગ્રસચિવ ડો. વિક્રાંત પાંડેનો આજે જન્‍મદિવસ

વહીવટી તંત્રમાં આગવી કાર્યશૈલી અને સંવેદનશીલ અભિગમ માટે જાણીતા ડો. પાંડેને ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓનો અવિરત પ્રવાહ

રાજકોટ : ગુજરાતના વહીવટી તંત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અને વર્તમાનમાં મુખ્‍યમંત્રી કાર્યાલય (CMO) ખાતે અધિક અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા ડો. વિક્રાંત પાંડે આજે પોતાનો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટના પૂર્વ કલેક્‍ટર તરીકેની તેમની સેવાઓ અને લોકો સાથેના તેમના સીધા સંપર્કને કારણે તેઓ આજે પણ રાજકોટવાસીઓના દિલમાં એક અલગ સ્‍થાન ધરાવે છે.

રાજકોટના કલેક્‍ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ડો. વિક્રાંત પાંડેએ અનેક જટિલ પ્રશ્‍નોના નિકાલ માટે જે રીતે ત્‍વરિત અને માનવીય અભિગમ અપનાવ્‍યો હતો, તે આજે પણ લોકમુખે ચર્ચાય છે. પારદર્શી વહીવટ અને સામાન્‍ય નાગરિકોની ફરિયાદોને પ્રાધાન્‍ય આપવાની તેમની કામગીરીએ તેમને ‘જનસેવક અધિકારી' તરીકેની છબી આપી હતી. રાજકોટના લોકો આજે પણ તેમને એક તેજસ્‍વી અને નિષ્ઠાવાન વહીવટકર્તા તરીકે યાદ કરે છે.

રાજકોટ બાદ રાજ્‍યના ઉચ્‍ચ વહીવટી હોદ્દાઓ પર બિરાજમાન થયા બાદ પણ તેમની કાર્યશૈલીમાં કોઈ ફેરફાર આવ્‍યો નથી. મુખ્‍યમંત્રી કાર્યાલયમાં અધિક અગ્રસચિવ તરીકેની જવાબદારી સંભાળતી વખતે, ડો. પાંડે સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના અમલીકરણ અને રાજ્‍યના નીતિ-નિર્ધારણમાં મુખ્‍ય સૂત્રધાર તરીકે કામ કરી રહ્યા છે. જટિલ વહીવટી પ્રશ્‍નોને ખૂબ જ સરળતાથી ઉકેલવાની તેમની ક્ષમતાને કારણે તેઓ સરકારના અત્‍યંત વિશ્વાસુ અધિકારી ગણાય છે. તેઓના જન્‍મદિને તેઓને અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(1:23 PM IST)