<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અંબાજી નજીક આવેલી દાંતા સિવિલ હોસ્પિટલ પરિસરમાં તળાવડા સર્જાયા : સામાન્ય વરસાદમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

ગ્રાન્ટ મંજૂર થયા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા :સરકારી ગ્રાન્ટના યોગ્ય વપરાશ અને તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ

અંબાજી નજીક આવેલી દાંતા સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. માત્ર સામાન્ય વરસાદ પડતાં જ સિવિલ હોસ્પિટલના મુખ્ય પરિસરમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા ઇમરજન્સી અને ઇન્ડોર દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અવારનવાર સામાન્ય વરસાદ દરમિયાન પણ સિવિલ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની રહી છે. હોસ્પિટલના એન્ટ્રી ગેટથી લઈને પરિસર સુધી પાણી ભરાઈ જવાથી અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ સેવાઈ રહી છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય સામે વધુ એક મોટો ખતરો ઉભો કરે છે.ચોમાસા દરમિયાન હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે થોડા સમય પહેલાં જ તંત્ર દ્વારા વિશેષ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. આમ છતાં, કાગળ પર કામગીરી થઈ હોવાનો દાવો અને પ્રત્યક્ષ રીતે પરિસરમાં પાણી ભરાયેલા હોવાને કારણે સરકારી ગ્રાન્ટના યોગ્ય વપરાશ અને તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દાંતામાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તેમ છતાં કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી દર્દીઓને આ જૂની અને પાણી ભરાવાની સમસ્યાવાળી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્થાનિક રહીશો અને અગ્રણીઓ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવાની અને નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ ઝડપી બનાવવાની માંગ કરવામાં આવી છે.

 

(11:53 PM IST)