તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 20th April 2026
રાજકીય રણસંગ્રામઃ મેન, મની, મેનેજમેન્ટ મહત્વપૂર્ણ
માહોલ પૂરી તરહ ‘તપ' ચૂકા હૈ, પૂરા કુનબા (જનવિસ્તાર) ‘બિમાર' હોતા જા રહા હૈ, તાપમાન તેજી સે ચઢ રહા હૈ, જનાબ, યે ચુનાવ કા ‘બુખાર' હૈ : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં વટ, ફાવટ અને જમાવટનો જંગઃ કાર્યકરો, નાણાની રેલમછેલ, આયોજન શકિત વગેરે નિર્ણાયકઃ છેલ્લા દિવસોમાં પ્રચારને વેગ

રાજકોટ તા.૨૦: લોકશાહીમાં પર્વ ગણાતી ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં જનાદેશ મેળવવાનો અવસર આવ્યો છે. રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૨૬૦ તાલુકા પંચાયતો અને ૩૪ જિલ્લા પંચાયતોમાં ૨૬ એપ્રિલે મતદાન છે. તા.૨૪ની સાંજ સુધી જાહેર પ્રચાર ચાલશે. તા.૨૮મીએ મત ગણતરી થશે. ફોર્મ પાછા ખેંચવાની મુદત બુધવારે પૂરી થતા ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. હવે છેલ્લા ૬ દિવસ પ્રચાર પર રાજકીય પક્ષો અને ઉમેદવારો વધુ જોર આપશે. અત્યારના રાજકારણમાં ચુંટણી લડવા અને જીતવા મેન પાવર, મની પાવર, મેનેજમેન્ટ પાવર વગેરે અગત્યના પરિબળો છે. પૂરતા જનાધાર ઉપરાંત જેની પાસે કાર્યકરો, પુષ્કળ પૈસા અને આવડત હોય તે જીત સુધી પહોંચી શકે છે.
આજથી ત્રણ દાયકા પૂર્વેના અને અત્યારના ચુંટણી લડવાના માધ્યમો અને માહોલમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. સામાન્ય માણસ માટે હવે ચૂંટણી લડવુ અત્યંત મુશ્કેલ થઇ ગયુ છે. પાથરણા પાથરવાવાળા કાર્યકરો કામે લાગીને ચુંટણી જીતાડી દયે ને વાત સપના જેવી થઇ ગઇ છે. ઝડપથી બદલાતા સમયમાં ચુંટણી સંગ્રામના સ્વરૂપમાં પણ ધરખમ ફેરફારો થયા છે.
ઝાઝા હાથ રળિયામણાઃ વિવિધ પ્રકારના કાર્યકરોની જરૂર
જે પક્ષ અને ઉમેદવાર પાસે કાર્યકરોની હારમાળા હોય તેને કાર્યકરો પ્રચારમાં આગળ રાખી શકે છે. મતદાન મથક સુધીનું નેટવર્ક જીત તરફ દોરી જાય છે. ચૂંટણી દરમ્યાન કળથી, બળથી કે છળથી કામ લઇ શકે તેવા કાર્યકરોની જરૂર રહે છે. હરીફોની ગતિવિધિ પર નજર રાખી શકે તે કાર્યકરની વિશીષ્ટ લાયકાત છે. સોશ્યલ મીડિયાના જમાનામાં પોતાન પક્ષનો બચાવ કરી શકે અને સામેના પક્ષ પર શાબ્દિક પ્રહાર કરી શકે તેવા કાર્યકરોની જરૂર રહે છે. સારી વકતૃત્વ શકિત ધરાવતા કાર્યકરો જુથસભાઓ અને સભા- સંમેલનોમાં મતદારોને આકર્ષી શકે છે. કાર્યકર પાસે શકિત, સમજણ, સમર્પણ, વફાદારી વગેરે હોવા જરૂરી છે. કામ બતાવવાની વૃતિવાળા કરતા કામ કરવાની મનોવૃતિવાળા કાર્યકરો પક્ષને અને ઉમેદવારને ઉપયોગી થાય છે. ઉમેદવારની ખુદની જનપ્રતિનિધિ બનવાની લાયકાત હોય તો કાર્યકરોનું કામ સરળ બને છે.
દરેક વસ્તુનો ભાવ,
પૈસાનો અપાર પ્રભાવ
વર્તમાન સંજોગોમાં અઢળક રૂપિયા વિના ચૂંટણી લડી શકાતી નથી. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર ખર્ચ મર્યાદા લગાવવામાં આવી છે પણ તેનો અમલ કેટલો થાય છે તે રાજકીય ક્ષેત્રમાં પડેલા સૌ જાણે છે. નાસ્તા, ભોજન, મંડપ, માઇક, વીજળી પ્રચાર સાહિત્ય ઉપરાંત ઉપયોગી અમૂક લોકોને જગાડવા કે ભગાડવા કાવડિયાની ખુબ જરૂર રહે છે. નિસ્વાર્થ ભાવે ચૂંટણીનું કામ કરનારા કાર્યકરોની સંખ્યા નહિવત થઇ ગઇ છે. ચૂંટણી સાથે સંકળાયેલા કેટલાય લોકો માટે લોકશાહીનું આ પર્વ કમાણીની ‘મોસમ' બની જાય છે. જંગ જીતવા નાણાના ‘કોથળા' ખુલ્લા મૂકયા પછી પણ ધાર્યુ પરિણામ ન આવે અથવા નાણાના અભાવે હારી જાય તેવું અત્યારના રાજકારણમાં સંભવ છે.
મેનેજમેન્ટમાં માસ્ટરી,
અપાવે વિકટરી...
મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થા તંત્ર ચૂંટણીનું નિર્ણાયક પાસુ છે. પારાવાર પૈસા અને સેંકડો કાર્યકરો હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થઇ શકે તો સમય શકિત અને નાણાનો વ્યપ થાય છે. વ્યુહરચનાનો મહિમા અપરંપાર છે. ઉમેદવાર જાહેર થાય ત્યારથી મત ગણતરી સુધીની વ્યવસ્થા કસોટીકારક હોય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક-એક મત નિર્ણાયક હોય છે. નાનકડી ભૂલ મોટુ વિધ્ન સર્જી શકે છે. આ વખતે ઉમેદવારોને પ્રચાર માટે બહુ ઓછો સમય મળ્યો છે તેથી વ્યવસ્થા તંત્ર ગોઠવવુ અઘરુ છે. ઉમેદવારોનો પ્રારંભિક સમય રીસાયેલાઓને મનાવવામાં જાય છે. સમયની સાથે ચાલવું. તે મેનેજમેન્ટનું મહત્વનું પાસુ છે. કોની પાસેથી કયુ કામ કયારે કઇ રીતે લેવુ તેની આવડત અને અનુભવ ધરાવતો વ્યકિત સારી વ્યવસ્થા ગોઠવી શકે છે. પરિણામમાં ઉમેદવાર સાથે પક્ષની પ્રતિષ્ઠાન જોડાયેલી હોય છે.
ચૂંટણી સંગ્રામમાં મેન, મની અને મેનેજમેન્ટ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ અસર કરે છે. કયો મુદ્્ો છવાઇ જાય છે અને કર્યા મુદ્્ો ખોવાઇ જાય છે તે પરિણામને પ્રભાવિત કરે છે. મતદાનની ટકાવારી અવગણી ન શકાય તેવો મુદ્્ો છે. મતદાન પૂર્વેના કેટલાક દિવસોનું રાજકીય ‘વાતાવરણ' મતદાન અને પરિણામમાં નિર્ણાયક બને છે. લડવૈયાઓનું ધાર્યુ થાય તો હરિ કૃપા, ધાર્યુ ન થાય તો હરિ ઇચ્છા...!
એક નઝર ઇધર ભી
રઘોઃ રાજનીતિ અને કૂટનીતિમાં (દાવપેચવાળી નીતિ) શું ફેર?
મઘોઃ કૂતરો ભુખના કારણે આપણી સામે ભસતો હોય એને રોટલી નાખીને શાંત કરી દઇએ અને પછી થોડા દિવસ રોટલી ખવડાવીને પાળીતો (પાલતુ) કરી દઇએ તે રાજનીતિ.
કુતરો કરડવાના ઇરાદાથી આપણી સામે ભસતો હોય ત્યારે આપણા એક હાથમાં લાકડી ન આવે ત્યાં સુધી બીજો હાથ એના માથા પર ફેરવતા રહીએ તે કૂટનીતિ.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
