તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ઉમરગામના મામલતદારની આત્મહત્યા મામલે રાજકીય વળાંક :ધારાસભ્ય અનંત પટેલે સતાધારી પક્ષના નેતાઓનું માનસિક દબાણ જવાબદાર ગણાવ્યું
ધારાસભ્ય અનંત પટેલે આ કેસમાં સૌથી મોટી માંગણી મૃતક અધિકારીના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) તપાસવાની કરી

નવસારીમાં ઉમરગામના મામલતદારની આત્મહત્યાના મામલે હવે રાજકીય વળાંક આવ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતો વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તેમણે અધિકારીના મૃત્યુ માટે સત્તાધારી પક્ષના નેતાઓના માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું છે. આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયિક તપાસની માંગ બુલંદ બની છે.
ઉમરગામના મામલતદાર દલપતભાઈએ ભરેલા આત્મહત્યાના પગલાં પાછળ સત્તાધારી પક્ષના નેતાઓનું માનસિક દબાણ હોવાનો દાવો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે, એક પ્રામાણિક અધિકારીને રાજકીય નેતાઓએ એટલા હદ સુધી પરેશાન કર્યા કે તેમણે અંતે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. આ ઘટનાએ વહીવટી તંત્રમાં નેતાઓની દખલગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય અનંત પટેલે આ કેસમાં સૌથી મોટી માંગણી મૃતક અધિકારીના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) તપાસવાની કરી છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ ચોક્કસ નેતાએ મામલતદારને 30 થી 40 વખત ફોન કોલ્સ કરીને માનસિક રીતે દબાવ્યા હતા. આ ફોન કોલ્સમાં કઈ બાબતનું દબાણ કરવામાં આવતું હતું અને કયા કામ માટે અધિકારીને મજબૂર કરાયા હતા, તેની સત્યતા બહાર લાવવી અનિવાર્ય છે.
આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર તમામ જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માત્ર પોલીસ તપાસ નહીં પરંતુ ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસની રજૂઆત કરવામાં આવી છે. જો અધિકારીઓને આ રીતે રાજકીય દબાણ હેઠળ કામ કરવું પડશે, તો વહીવટીતંત્ર ભાંગી પડશે તેવો ડર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં અનંત પટેલે સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને જવાબદાર નેતાઓના નામ બહાર નહીં આવે, તો આખાય આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ન્યાયની આ લડાઈમાં સમાજના લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકીથી હાલમાં જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
