<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

વહેલી ચૂંટણી અને અછત મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે રાજકીય ઘમાસાણ

ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળો અને પાણીની અછતને લઈને ભાજપ અને કોંગ્રેસ આમનેસામને : કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર પ્રહારો કર્યા, જ્‍યારે ભાજપ પ્રવક્‍તા ડો. અનિલ પટેલે પલટવાર કર્યો

અમદાવાદ તા.૨૪: ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવાની અટકળો અને રાજ્‍યમાં ઉદ્ભવેલી વર્તમાન પાણીની અછતની પરિસ્‍થિતિને લઈને શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ મોરબી ખાતેથી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેની સામે ભાજપના પ્રદેશ પ્રવક્‍તા ડો. અનિલ પટેલે પલટવાર કરીને કોંગ્રેસના દાવાઓને ફગાવી દીધા છે.

મોરબી ખાતે ખેડૂત સભામાં કોંગ્રેસના વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્ટ્ર હાલ અનેક ગંભીર સમસ્‍યાઓનો સામનો કરી રહ્યું છે. વરસાદની અછત, પીવાના પાણીની મુશ્‍કેલીઓ અને વીજ સંકટ જેવા મુદ્દાઓ પર અમે વિધાનસભામાં પણ રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે કોઈ યોગ્‍ય કાર્યવાહી કરી નથી. ગઈકાલે મોરબીના ખેડૂતોએ પણ પોતાની વેદના વ્‍યક્‍ત કરી હતી. જેથી સરકારને જનતાના પ્રશ્નો ઉકેલવામાં કે અછત દૂર કરવામાં કોઈ રસ નથી, પણ માત્ર પોતાની સત્તા કેવી રીતે ટકાવી રાખવી તેની જ ચિંતા છે.

તુષાર ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, આવનાર સમયમાં પાણી અને વીજળીની સમસ્‍યા વિકટ બને તે પહેલાં જ, સ્‍થાનિક પ્રશ્નોના રોષથી બચવા માટે સરકાર વહેલી ચૂંટણી લાવવાના મૂડમાં દેખાઈ રહી છે. સરકારે અહમ છોડીને રાજ્‍યને તુરંત દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવું જોઈએ, તેવું નિવેદન મોરબી ખાતેની સભામાં કર્યું હતું. જેથી હવે વહેલી ચૂંટણી અંગે નીતિ-રીતિ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. ત્‍યારે તુષાર ચૌધરીના આ નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે.

આ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્‍તા ડો. અનિલ પટેલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું કે, વિપક્ષના નેતાનું સ્‍ટેટમેન્‍ટ તેમની નિરાશા દર્શાવે છે. ભાજપ સરકાર જાન્‍યુઆરી કે ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી જશે તેવા ડરથી ભાગી રહી નથી. કોંગ્રેસ દરેક બાબતમાં માત્ર રાજકારણ અને ચૂંટણી જીતવાની નીતિ-રીતિ જ શોધે છે. અલ-નિનોની અસર અને હવામાન અંગે આખી સ્‍થિતિ જાણીતી છે, પરંતુ પ્રજાના દુઃખે દુઃખી થવાના બદલે કોંગ્રેસ વિકૃત આનંદ મેળવી રહી છે અને ખેડૂતો વચ્‍ચે ભય ફેલાવવાનું કામ કરી રહી છે.

અનિલ પટેલે વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર હંમેશાં ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી રહી છે અને જમીની સ્‍તરે કામ કરી રહી છે. કોંગ્રેસમાં વિચારોનો દુષ્‍કાળ છે. નકારાત્‍મક વિચારો રાખનારાઓનું ભગવાન પણ ભલું નથી કરતો. ગુજરાતની જનતાનું પૂર્ણ સમર્થન ભાજપ સાથે જ છે અને કોંગ્રેસે સંસદીય દિવાસ્‍વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ. આમ વહેલી ચૂંટણી અંગે કરેલા નિવેદન અંગે હવે ભાજપ અને કોંગ્રેસમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, આગામી વર્ષ ૨૦૨૭માં દેશના ૮ રાજ્‍યોની ચૂંટણી યોજાવાની છે. જેમાં કેટલાક રાજ્‍યોની વિધાનસભાની અવધિ જાન્‍યુઆરીથી માર્ચ મહિના સુધી પૂર્ણ થાય છે. જ્‍યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અવધિ ડિસેમ્‍બર ૨૦૨૭માં આવે છે. ત્‍યારે હવે વહેલી ચૂંટણી અંગે કરવામાં આવેલા નિવેદનો અંગે ક્‍યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય છે, તે તો જોવું જ રહ્યું

(9:58 AM IST)