<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

સુરતના અલથાણ છેડતી કેસમાં 'રાજકીય ખેલ'નો પર્દાફાશ: "આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે", વાયરલ ઓડિયોથી ખળભળાટ

સગીરાની છેડતીની ઘટનાને પાટીદાર vs ભાજપમાં ફેરવવાનું મોટું ષડયંત્ર; પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો મચાવવાનું હતું પ્રી-પ્લાન આયોજન!

સુરત: સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની કમનસીબ ઘટના હવે એક ગંભીર રાજકીય વળાંક લઈ રહી છે. આ કેસમાં પકડાયેલા આરોપી મહમ્મદ અઝીઝની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ છે, પરંતુ તેની આડમાં ખેલાઈ રહેલા એક 'ગંદા રાજકીય ષડયંત્ર'નો પર્દાફાશ કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો છે. આ ક્લિપમાં થતા સંવાદો સૂચવે છે કે પોલીસની ત્વરિત કામગીરીને દબાવવા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ કેસમાં મળતી સફળતાની ક્રેડિટ રોકવા માટે ચોક્કસ જૂથ દ્વારા જાળ બિછાવવામાં આવી હતી.

વાયરલ થયેલા કથિત સંવાદમાં વોર્ડ નંબર-૨૯ અલથાણના એક ઉમેદવારના અંગત માણસની વાતચીત સામે આવી છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, "જો આપણે આ મામલે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે." આ નિવેદન દર્શાવે છે કે પીડિત સગીરાને ન્યાય અપાવવા કરતા રાજકીય લોકપ્રિયતા છીનવી લેવામાં અમુક તત્વોને વધુ રસ છે. આ ષડયંત્રમાં પાટીદાર સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હોબાળો મચાવવાનું પ્રી-પ્લાનિંગ:

આશ્ચર્યજનક બાબત એ છે કે પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હોવા છતાં, જનતામાં ભ્રમ ફેલાવવા માટે પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનું આયોજન ઘડવામાં આવ્યું હતું. ઓડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, "અંદર જે માણસ (આરોપી) છે તે આપણો છે, બધું ઠંડુ પડે એટલે તેને છોડાવી લઈશું." ગુનેગારને છોડાવવાની પેરવી અને તેને રાજકીય પીઠબળ પૂરું પાડવાના આ કથિત પ્રયાસોએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

મુસ્લિમ તૃષ્ટિકરણ કે ગંદી રાજનીતિ?

આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે સત્તા મેળવવા માટે વિપક્ષ દ્વારા 'મુસ્લિમ તૃષ્ટિકરણ' અને 'જ્ઞાતિવાદનું ઝેર' ભેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હર્ષ સંઘવીના વધતા રાજકીય કદને રોકવા માટે કોના ઈશારે આટલું મોટું નેટવર્ક સક્રિય થયું છે, તે હવે તપાસનો વિષય બન્યો છે. જોકે, આ વાયરલ ઓડિયોની સત્યતાની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ આ ઘટનાએ સુરતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સગીરાની સુરક્ષા અને સામાજિક એકતાના મુદ્દે ખેલાતા આ ખેલથી સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

(11:49 PM IST)