<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

વડોદરામાં નવરાત્રી પર્વ માટે પોલીસનું મેગા સુરક્ષા કવચ: ૧૭૦૦થી વધુ જવાનો તૈનાત, શાંતિ ભંગ કરનારાઓ સામે પોલીસ કમિશનરની કડક ચેતવણી

ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર શહેરમાં અભેદ્ય બંદોબસ્ત; ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શંકાસ્પદ ગતિવિધિ જણાય તો ૧૧૨ નંબર પર જાણ કરવા અપીલ

વડોદરા : વડોદરા શહેરમાં નવરાત્રીના પાવન પર્વને અત્યંત ઉત્સાહભેર અને નિર્વિધ્ને ઉજવી શકાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા એક અભેદ્ય અને સુદ્રઢ મેગા સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર શહેરમાં ૧૭૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે.

 

આ ભવ્ય અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થાનું સીધું માર્ગદર્શન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સહિત ૮ જેટલા ડીસીપી (DCP) કક્ષાના સિનિયર અધિકારીઓ સતત નિરીક્ષણ હેઠળ રહેશે. સુરક્ષા કવચને વધુ મજબૂત અને પ્રભાવી બનાવવા માટે એસઆરપીએફ (SRPF) ની ૨ કંપનીઓ અને સ્પેશિયલ એક્શન ફોર્સની ૧ કંપનીને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

 

તહેવારોની આ મોસમમાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ૩૮૦થી વધુ ટ્રાફિક પોલીસ જવાનો, ૮૦૦ ટ્રાફિક બ્રિગેડ અને ૮૦૦ હોમગાર્ડના જવાનો શહેરના મુખ્ય માર્ગો અને ગરબા ગ્રાઉન્ડ્સની આસપાસ સુચારુ વાહન વ્યવહાર જાળવવા માટે ફરજ બજાવશે. આ ઉપરાંત, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અબાધિત રહે તે માટે પીસીબી (PCB), ડીસીબી (DCB) અને એસઓજી (SOG) જેવી સ્પેશિયલ બ્રાન્ચની ટીમોને પણ સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી છે. તમામ ગરબા ગ્રાઉન્ડ્સ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત સીસીટીવી અને પોલીસ વોચ રાખવામાં આવી રહી છે.

 

વડોદરા પોલીસ કમિશનરે આ પ્રસંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે નવરાત્રીના પર્વ દરમિયાન જો કોઈ અસામાજિક તત્વ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડાકાભેર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

સાથે જ નાગરિકો અને અબાલ-વૃદ્ધ ખેલૈયાઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે, પોતાના વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ જ પાર્ક કરે અને જો આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તુરંત જ કટોકટીના સમયે ૧૧૨ (112) નંબર પર સંપર્ક કરીને પોલીસને સહકાર આપે.

(11:14 PM IST)