<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

પોલીસ ક્યારેય રસ્તામાં દાગીના નથી ઉતરાવતી: અમદાવાદ પોલીસે જારી કરી ખાસ સેફ્ટી એડવાઇઝરી

દિવાળી પર્વે ચોરી અને લૂંટની ઘટનાઓ રોકવા પોલીસ તંત્રનો માસ્ટર પ્લાન: વેપારીઓને મળશે મફત પોલીસ પ્રોટેક્શન

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ શહેરના બજારોમાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના કિંમતી દાગીનાની મોટા પાયે લેવડ-દેવડ થતી હોય છે. આ તહેવારી માહોલમાં તસ્કરો અને લૂંટારુ ગેંગ સક્રિય થઈ જતી હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા અમદાવાદ સિટી પોલીસે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સીધી સૂચનાથી શહેરના અગ્રણી જ્વેલર્સ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિકો અને વેપારીઓની સુરક્ષા માટે પોલીસે "પોલીસ ક્યારેય રસ્તામાં દાગીના ઉતરાવતી નથી" તે બાબત સ્પષ્ટ કરીને ખાસ સેફ્ટી એડવાઇઝરી જાહેર કરી છે.

તહેવારોની સિઝનમાં બેંકો, સોના-ચાંદીના જ્વેલર્સ કે આંગડિયા પેઢીઓ દ્વારા જ્યારે પણ મોટી રકમની રોકડ અથવા કિંમતી દાગીનાની હેરફેર કરવામાં આવે, ત્યારે કોઈ સુરક્ષા ક્ષતિ ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિનામૂલ્યે પોલીસ પ્રોટેક્શન પૂરૂ પાડવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ વેપારીઓ અને બેંક સત્તાધીશોને પોતાના કોમર્શિયલ પરિસરમાં સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ ૨૪x૭ કાર્યરત રાખવા માટે આકરા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રશાસને નાગરિકોને પણ અજાણ્યા વ્યક્તિઓ કે નકલી પોલીસ બનીને આવતા ઈસમોથી સાવધ રહેવા અને આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરી છે. બજારોમાં ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ અને કટ આઉટ પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો પર કડક નજર રાખી શકાય.

અગાઉ પણ તહેવારો ટાણે આંગડિયા પેઢીઓ અને દાગીનાના વેપારીઓને લક્ષ્ય બનાવીને ચીટિંગ તથા લૂંટ ચલાવતી ઈરાની ગેંગ અને સ્થાનિક ભળતી ગંગો સક્રિય થવાના બનાવો બની ચૂક્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા લેવાયેલા આ આગોતરા પગલાં અને ફ્રી પોલીસ પ્રોટેક્શનની સુવિધાથી વેપારી આલમમાં સુરક્ષાનો વિશ્વાસ ઊભો થયો છે. આગામી દિવસોમાં આ એડવાઇઝરીના અમલીકરણ અને કડક પોલીસ બંદોબસ્તના આધારે તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેશે તેમ મનાઈ રહ્યું છે.

(3:19 PM IST)