તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
વડોદરાના વાઘોડિયામાં જવેલર્સમાં થેલી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા :કુખ્યાત ગેંગના મુખ્ય સાગરીત સહીત બે આરોપી ઝડપાયા
પોલીસે આશરે 450 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા,ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે એક-એક કડી જોડીને આરોપીઓ સુધી પહોંચ્યા

વડોદરાના વાઘોડિયામાં જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટના કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગ દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો, જેનો પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.
વડોદરા નજીકના વાઘોડિયા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં થોડા સમય પૂર્વે થયેલી લૂંટના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર ગુનાની તપાસમાં વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમોએ રાત-દિવસ એક કરીને તપાસ આદરી હતી. આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત 'વાસોનિયા ગેંગ'ના સભ્યો સંડોવાયેલા હતા. આરોપીઓએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે દુકાનની રેકી કરી હતી અને બાદમાં હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યો હતો.
આ ગુનાને ઉકેલવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે અથાક પરિશ્રમ કર્યો હતો. તપાસની વિગતો મુજબ, પોલીસ ટીમોએ ઘટનાસ્થળથી લઈને આરોપીઓના સંભવિત ભાગી જવાના રૂટ સુધીના આશરે 450 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે એક-એક કડી જોડીને આરોપીઓ સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો હતો. જ્યારે લૂંટારાઓના તાર મધ્યપ્રદેશ તરફ જતા હોવાનું જણાયું, ત્યારે વડોદરા પોલીસે સ્થાનિક મધ્યપ્રદેશ પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે વાસોનિયા ગેંગના મુખ્ય સાગરિત રમેશ પરમાર સહિત અન્ય બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે. જોકે, આ લૂંટકાંડમાં હજુ પણ ચાર જેટલા અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ હાલ ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
