તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 26th June 2026
સુરતના કામરેજ વિસ્તારમાંથી અચાનક ગુમ થયેલા સગીર બાળકને પોલીસે શોધી કાઢ્યો :વારાણસીથી હેમખેમ મળ્યો
ઘરે મોબાઈલ ફોન વાપરવા બાબતે વાલીઓએ બાળકને સામાન્ય ઠપકો આપતા માતા-પિતાના આ ઠપકાથી બાળકને અત્યંત માઠું લાગી જતા તે ગુસ્સામાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી ભાગી છૂટ્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને અંતે રાહત આપનારો કિસ્સો સામે આવ્યો છે. કામરેજના ખોલવડ ગામમાંથી ગત ૨૧ જૂનના રોજ ગુમ થયેલો સગીર વયનો બાળક આશરે ૧૪૦૦ કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી હેમખેમ મળી આવ્યો છે. કામરેજ પોલીસ અને રેલવે પોલીસના સંયુક્ત ઓપરેશન અને સક્રિયતાના કારણે આ માસૂમ બાળક સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શક્યો છે.
આ સમગ્ર ઘટના પાછળનું કારણ આજની પેઢીમાં વધતી મોબાઈલની લત અને સંવેદનશીલતા દર્શાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરે મોબાઈલ ફોન વાપરવા બાબતે વાલીઓએ બાળકને સામાન્ય ઠપકો આપ્યો હતો. માતા-પિતાના આ ઠપકાથી બાળકને અત્યંત માઠું લાગી ગયું હતું અને તે ગુસ્સામાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી ભાગી છૂટ્યો હતો. બાળક અચાનક ગાયબ થઈ જતાં ચિંતિત પરિવારે તાત્કાલિક કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બાળકના ગુમ થવાની ગંભીરતાને સમજીને સુરત પોલીસએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થાનિક વિસ્તાર અને રેલવે સ્ટેશન આસપાસના ૭૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ બારીકાઈથી તપાસ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં બાળક રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસતો સ્પષ્ટપણે કેદ થયો હતો. આ મહત્વની કડી મળતા જ કામરેજ પોલીસે મોડું કર્યા વગર રેલવે પોલીસ ફોર્સ (RPF) અને જે-તે રૂટની રેલવે પોલીસને બાળકના ફોટા સાથે તાત્કાલિક એલર્ટ મોકલી આપ્યું હતું.
સુરત પોલીસ તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે વારાણસી રેલવે સ્ટેશન પર તૈનાત એલર્ટ પોલીસ કર્મીઓએ આ બાળકને ઓળખી કાઢ્યો હતો અને તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. સ્થાનિક વારાણસી પોલીસે તુરંત જ કામરેજ પોલીસનો સંપર્ક સાધી બાળક સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી. આ સુખદ સમાચાર મળતા જ પોલીસે બાળક અને તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોતાના વહાલસોયા દીકરાને સહેમત પાછો મેળવીને પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે કામરેજ પોલીસની કામગીરીની પ્રશંસા કરી દિલથી આભાર માન્યો હતો.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
