<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

અકસ્‍માત કેસોના કાગળો લોકોને તથા એજન્‍ટને હેરાનગતિ વગર મફત આપવા પોલીસતંત્રને આદેશ

ડીજીપીને કાયદાના અમલ માટે RTI તંત્રનો સખ્‍તાઈ પૂર્વક હુકમ : પોલીસ સ્‍ટેશનોના ધક્કા ના ખવડાવો અને ઘેરબેઠાં સામેથી પેપર્સ પહોંચતા કરો

અમદાવાદ,તા.૧૯: ગુજરાતના આરટીઆઈ તંત્ર યાને માહિતી આયોગે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં અકસ્‍માતના કેસોના અહેવાલો મોટર એક્‍સિડન્‍ટ ક્‍લેઈમ ટ્રિબ્‍યુનલ-કોર્ટમાં મોકલાયા હોય પણ આદ્યકૃત ઈન્‍સ્‍યોરન્‍સ એજન્‍ટ તથા અકસ્‍માતમાં ભોગ બનનાર કે તેના વારસદારને આ અહેવાલોની કોપી ના અપાઈ હોય તો તે તાત્‍કાલિક મોકલી આપવા માટે મુખ્‍ય પોલીસ અધિકારી તથા ડીજીપીને હુકમ કર્યો છે.

માહિતી આયોગે એમએસીટી સુધારા એક્‍ટ-૨૦૨૨ હેઠળ આવરી લેવામાં આવતી ફરિયાદોમાં કાયદામાં કરવામાં આવેલા સુધારા અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પ્રથમ અકસ્‍માત અહેવાલ, વચગાળાને અકસ્‍માત અહેવાલ અને વિગતવાર અકસ્‍માત અહેવાલ ઈ-ગુજકોપમાં આપોઆપ તૈયાર થઈ જાય તે મુજબની કાર્યવ્‍યવસ્‍થા સોફટવેરમાં કરવા માટે પણ હુકમ કર્યો છે. સામાન્‍ય નાગરિકને તથા ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીના અધિકૃત એજન્‍ટને ઘેરબેઠાં માહિતી મળે અને એમણે આ માહિતી માગવા પોલીસ સ્‍ટેશનોમાં ના જવું પડે તે માટે પણ માહિતી આયોગે આદેશ કર્યો છે. માહિતી આયોગના આ બધા હુકમ થી અકસ્‍માતનો ભોગ બનનારને કે તેના કુટુંબીજનોને તથા ઈન્‍સ્‍યોરન્‍સ એજન્‍ટોને ઘણી રાહત થશે અને ઝડપી ન્‍યાય મેળવવામાં મદદ મળશે આવા કેસો વખતોવખત રિવ્‍યૂ કરવા પણ પોલીસતંત્રને આદેશ અપાયો છે.

આરટીઆઈ તંત્રએ કામરેજ પોલીસ સ્‍ટેશન દ્વારા અકસ્‍માતના એક કેસમાં FIR, પંચનામુ, FSL રિપોર્ટ, મરણોત્તર પંચનામુ, પીએમ રિપોર્ટ વગેરે મળી ૧૪ મુદ્દાની માહિતી આપવાની ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીના એજન્‍ટને ના પાડી આ પેપર્સ એમએસીટી કોર્ટમાંથી મેળવવા જણાવ્‍યું હતું. બીજી બાજુ એમએસીટી કોર્ટે પણ આ કાગળો પોલીસ સ્‍ટેશનમાંથી મેળવવા જણાવ્‍યું હતું. આમ બન્ને તંત્રો અરજદારને ખોરમાડતાં હોઈ ફરિયાદીએ બીજી અપીલ આયોગમાં દાખલ કરી હતી, જેના ચુકાદામાં RTI તંત્રએ પોલીસ તંત્રને સ્‍પષ્ટ આદેશો આપવા પડયા છે. સદર કેસમાં પણ પ્રથમ અહેવાલની નકલ ૪૮ કલાકમાં, વચગાળાના અહેવાલની નકલ-૬૦ દિવસમાં અને વિગતવાર અહેવાલની નકલ ૯૦ દિવસમાં અરજદારને આપવા RTI તંત્રએ આદેશ આપ્‍યો છે.

(9:58 AM IST)