News of Thursday, 21st May 2026
સુરતના અડાજણ વિસ્તારમાં બંગલામાં થયેલી 48 લાખની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા; આરોપી ઝડપાયો
અડાજણ વિસ્તારના એક બંગલામાંથી 48 લાખ રૂપિયા રોકડ, બે સોનાની ચેઈન અને એક સોનાની વીંટીની ચોરી થઈ હતી

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેણાંક બંગલામાં થયેલી લાખો રૂપિયાની ચોરીના બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગત 18 મે, 2026ના રોજ અડાજણ વિસ્તારના એક બંગલામાંથી 48 લાખ રૂપિયા રોકડ, બે સોનાની ચેઈન અને એક સોનાની વીંટીની ચોરી થઈ હતી. આ બનાવ બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી અને આરોપીને પકડવા માટે ખાસ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ માટે 20 જેટલી પોલીસ ટીમો બનાવી હતી. અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આરોપી દેવરાજ પાટીલ મુંબઈ તરફ ભાગી ગયો હોવાની બાતમી મળતા એક પોલીસ ટીમ તરત જ મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસની સતર્કતાને કારણે આરોપી દેવરાજ પાટીલ પુણા સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી પાસેથી પ્રાથમિક રીતે 4 લાખ રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે બાકીની રકમ અને સોનાના દાગીના તેણે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક ખંડેર મકાનમાં સંતાડ્યા હતા. પોલીસે ત્યાં પહોંચીને તમામ મુદ્દામાલ અને ચોરી કરેલી પૂરેપૂરી 48 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપી દેવરાજ અગાઉ પણ સાત જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે અગાઉ કયા કયા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
