તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું
પ્રેમલગ્ન કરનાર અને વર્ષ 2017ની બેચના આ આશાસ્પદ પોલીસ કર્મીના આપઘાતથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું

ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક યુવાન પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રેમલગ્ન કરનાર અને વર્ષ 2017ની બેચના આ આશાસ્પદ પોલીસ કર્મીના આપઘાતથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો અનુસાર, માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર્વ ભારતીએ ગઈકાલે રાત્રે પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પર્વ ભારતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
મૃતક પર્વ ભારતી વર્ષ 2017ની પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થઈને ખૂબ જ મહેનત બાદ ગુજરાત પોલીસ દળમાં જોડાયા હતા. વિભાગમાં તેઓ એક શાંત અને ફરજનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાતા હતા. લગ્નજીવનની વાત કરીએ તો, મૃતક કોન્સ્ટેબલે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. સુખી સંસાર હોવા છતાં તેમણે કયા માનસિક તણાવ કે મુશ્કેલીના કારણે આ પગલું ભર્યું, તે દિશામાં પોલીસ તેમના પરિવારજનો અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે.
એક યુવાન અને સક્ષમ પોલીસ કર્મચારીના અકાળે અવસાનથી માણસા પોલીસ મથક સહિત સમગ્ર ગાંધીનગર પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયો છે. સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પર્વ ભારતીના આકસ્મિક નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
