<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરતમાં ભગવાન જગન્નાથજીની ૧૧ રથયાત્રાને લઈને પોલીસ કમિશનર વાબંગ જામીરનું અભેદ સુરક્ષા ચક્ર : કાયદો અને વ્યવસ્થા જાળવવા સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. કરણ રાજ વાઘેલા, સેક્ટર અધિકારી બલરામ મીના અને મહેન્દ્ર ભાગડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી

ક્રાઇમ બ્રાન્ચ વડા ડૉ. કરણ રાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાની ટીમ રાખશે બાજ નજર : રૂટ પર ડ્રોન અને કંટ્રોલ રૂમ મોનિટરિંગ માટે ડીસીપી એ. એમ. પરમાર અને શાંતિ સમિતિની બેઠકો માટે ડીસીપી નિધિ ઠાકુર તૈનાત : પાંડેસરા પીઆઈ કે. ડી. જાડેજા ટીમની જહેમત ફળી

સુરત: આગામી ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ સંપૂર્ણ તૈયારીમાં લાગી ગઈ છે. સુરત શહેરમાં પરંપરાગત રીતે નીકળતી ૮ રથયાત્રા ઉપરાંત આ વર્ષે વધુ ૩ રથયાત્રા મળીને કુલ ૧૧ રથયાત્રા યોજાવાની હોવાથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુરક્ષા અને ટ્રાફિક આયોજન કરવામાં આવ્યું છે.

 

રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) એસ. એમ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં તમામ શહેરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર વાબંગ જામીરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા આયોજનને અંતિમ સ્વરૂપ આપીને વિવિધ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી છે.

 

 ઉચ્ચ વહીવટી અધિકારીઓ વચ્ચે વહેંચાઈ મહત્વની જવાબદારીઓ:

રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. કરણ રાજ વાઘેલા, સેક્ટર-૧ના અધિકારી બલરામ મીના, સેક્ટર-૨ના વડા મહેન્દ્ર ભાગડિયા તેમજ ટ્રાફિક કમિશનર સજ્જનસિંહ પરમારને મોરચો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના રાજદીપસિંહ નકુમ તેમજ વિવિધ ઝોનના નાયબ પોલીસ કમિશનરોને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપાઈ છે. રથયાત્રા દરમિયાન શાંતિ કોઈ સંજોગોમાં ન ડોહળાઈ તે માટે વિશેષ જવાબદારી સંભાળતા ડીસીપી ઝોન-૪ નિધિ ઠાકુર દ્વારા પાંડેસરા વિસ્તારમાં શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકને સફળ બનાવવા માટે પાંડેસરા પોલીસ ઇન્સ્પેકટર કે. ડી. જાડેજા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

 

ડ્રોન કેમેરાથી સર્વેલન્સ અને ગ્રીન કોરિડોરનું આયોજન:

રથયાત્રાના સમગ્ર રૂટ પર ટેકનોલોજીના માધ્યમથી ડ્રોન કેમેરા અને કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. આ સમગ્ર મોનિટરિંગની વિશેષ જવાબદારી ડીસીપી એ. એમ. પરમારને સોંપવામાં આવી છે. બીજી તરફ, ટ્રાફિક વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રીન કોરિડોર, ટ્રાફિક ડાયવર્જન અને જરૂરી સ્થળોએ સમયબદ્ધ રોડ બંધ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને શહેરના સામાન્ય નાગરિકોને અનાવશ્યક ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે.

 

નાઈટ કોમ્બિંગ અને કડક પેટ્રોલિંગ શરૂ:

રથયાત્રા પૂર્વે સુરત શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે, ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફને વિશેષ એલર્ટ રહેવાની સૂચનાઓ અપાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર રથયાત્રા ઉત્સાહપૂર્ણ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે એકતા કમિટીના સભ્યો તેમજ સાધુ-સંતો સાથે પણ પોલીસ દ્વારા સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે.

 

રથયાત્રા માટે પોલીસની મુખ્ય તૈયારીઓ:

* સુરત શહેરમાં આ વર્ષે કુલ ૧૧ રથયાત્રા યોજાશે.

* ડ્રોન કેમેરા અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી રૂટનું સતત સર્વેલન્સ કરાશે.

* ટ્રાફિક સુવિધા માટે ગ્રીન કોરિડોર અને ડાયવર્જન યોજના અમલી.

* સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ.

* એકતા કમિટી અને સાધુ-સંતોના સહયોગથી શાંતિપૂર્ણ વાતાવરણનું આયોજન.

* રથયાત્રાના સમગ્ર રૂટ પર વિશેષ પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓનું સતત મોનિટરિંગ.

(5:56 PM IST)