તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
નો વૉન્ટેડ ઈન સુરત ક્રાઇમ અભિયાન : પોલિસ કમિશ્નર વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળની ટીમો એસીપી કિરણ મોદીના સંકલનમાં ક્રાઇમ બ્રાન્ચ પોતાના રેકોર્ડ તોડી રહી છે : પોલિસ ઇન્સ્પેક્ટર રઘુરાજ઼સિંહ આઈ જાડેજા ટીમને મોટી સફળતા : પાંડેસરાના હત્યા કેસમાં આજીવન કેદ પામેલો અને ૬ વર્ષથી જેલમાંથી ફર્લો જમ્પ કરી નાગપુરમાં પાણીપુરી વેચતો આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગ શાહ ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ૩૫થી ૪૦ કિલોમીટર મોટરસાઈકલ પર જીવના જોખમે પીછો કરી આરોપી જાલીમસીંગને દબોચ્યો : પકડાયેલા કુખ્યાત કેદીને પુનઃ લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરાયો

રાજકોટ:સુરત શહેરમાં ચાલતા 'નો વૉન્ટેડ ઈન સુરત ક્રાઇમ' અભિયાન અંતર્ગત ગંભીર ગુનાઓમાં લાજપોર જેલમાંથી પેરોલ, ફર્લો કે વચગાળાની રજા પર બહાર આવીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર વાંબાગ જમીર તેમજ ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કામગીરી કરી રહી છે. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજ઼સિંહ આઈ જાડેજા અને તેમની ટીમને મોટી સફળતા સાંપડી છે. વર્ષ ૨૦૦૮ના પાંડેસરા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને છેલ્લા ૬ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગ નથ્થુ શાહ (ઉંમર વર્ષ ૪૩)ને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી રાતોરાત ઝડપી લેવામાં આવ્યો છે.
બનાવની વિગતો અનુસાર, વર્ષ ૨૦૦૮માં સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગુ.હા.બોર્ડ પત્રકાર કોલોની મરાઠાનગરમાં શંકરદાદા નામના ઇસમ સાથે ઝગડો થતાં આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગ શાહે તેમને માથામાં તેમજ આખા શરીરે લાકડાના ફટકા મારી સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. આ ગંભીર ગુનામાં પકડાયા બાદ સુરત સેશન્સ કોર્ટે ૧૦ જુલાઈ ૨૦૦૯ના રોજ તેને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી અને તે લાજપોર મધ્યસ્થ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન ૧૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ૧૪ દિવસની ફર્લો રજા મેળવી જેલમાંથી બહાર આવ્યા બાદ તે નિયત સમયે જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. આ અંગે લાજપોર મધ્યસ્થ જેલ અધિક્ષક દ્વારા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી.
અત્યંત માથાભારે સ્વભાવ ધરાવતા અને નાની-નાની વાતોમાં લોકોને માર મારવાની ટેવના કારણે 'જાલીમસીંગ' નામે ઓળખાતા આ આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષથી તેના મૂળ વતન ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના લોહદા ગામમાં બાતમીદારો ગોઠવી તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે તે વતનમાં જતો નથી પરંતુ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ઓળખ છુપાવીને પાણીપુરીનો ઠેલો ચલાવે છે. આ માહિતીના આધારે છેલ્લા છ મહિનાથી ક્રાઈમ બ્રાન્ચ નાગપુરમાં પાણીપુરી વેચતા ઈસમોની વિગતો એકત્ર કરી રહી હતી.
તપાસ દરમિયાન નાગપુરના સક્કરદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગ શાહ પાણીપુરી વેચતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક નાગપુર પહોંચીને સતત બે દિવસ સુધી ગુપ્ત વોચ ગોઠવી હતી. પોલીસ તેને પકડવા જતાં જ શંકા જવાથી આરોપી મોટરસાઈકલ પર હાઈવે તરફ ભાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ જીવના જોખમે મોટરસાઈકલ પર આશરે ૩૫થી ૪૦ કિલોમીટર સુધી પીછો કરીને આખરે તેને સક્કરદરા બસ સ્ટેન્ડ નજીક આરાધના નગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો સુરતની લાજપોર મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
