<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની ગાડી પર ડમ્પરમાંથી પથ્થર પડતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં : સુરતમાં અવેધ ડમ્પરો વિરુદ્ધ મેગા ઓપરેશન

ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અનુપમાના માર્ગદર્શન હેઠળ એસીપી એચ. કે. ભરવાડે 12થી વધુ ડમ્પરો ડિટેઈન કર્યા : કામરેજ જતા મંત્રીના કાફલા સાથે સર્જાયેલી દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસની લાલ આંખ

 રાજકોટ:  સુરત શહેરમાં બેફામ દોડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ડમ્પર ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. 1 મેના રોજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાનો કાફલો જ્યારે વરાછાથી લસકાણા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આગળ ચાલતા એક ડમ્પરમાંથી માટી અને પથ્થરો મંત્રીની ગાડી પર પડ્યા હતા. ચાલકે તાત્કાલિક બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ગંભીર બેદરકારી બદલ મંત્રીએ તાત્કાલિક સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ટેલિફોનિક ફરિયાદ કરી કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

 ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોરચો અને તાબડતોબ કાર્યવાહી:

મંત્રીની ફરિયાદ મળતા જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જોઈન્ટ ટ્રાફિક કમિશનર પરમારને ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઓપરેશનને સફળ બનાવવા માટે ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અનુપમાએ મેદાનમાં ઉતરીને 4 એસીપીને કામે લગાડ્યા હતા. ટ્રાફિક એસીપી એચ. કે. ભરવાડે વરાછાથી લસકાણા રૂટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તાડપત્રી વગર અને ખુલ્લી ટ્રકોમાં જોખમી રીતે રેતી-પથ્થર લઈ જતા વાહનોને આંતરીને એક જ દિવસમાં 12થી વધુ ડમ્પરો ડિટેઈન કરી આરટીઓ મેમો ફટકાર્યા હતા.

 વિકાસકામોની આડમાં નિયમોનો સરેઆમ ભંગ:

શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. નિર્ધારિત ક્ષમતા કરતા વધુ માલ ભરવો અને ઉપર તાડપત્રી ન બાંધવાને કારણે રસ્તા પર પથ્થરો પડે છે, જે ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ અકસ્માતનું કારણ બને છે. વધુમાં, આ ડમ્પરોમાંથી ઉડતી ધૂળને કારણે શહેરીજનોના શ્વાસ અને આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.

 ભારે વાહનો પર પ્રતિબંધ અને કડક દેખરેખ:

આરોગ્ય મંત્રીની દરમિયાનગીરી બાદ હવે સુરત ટ્રાફિક પોલીસે આખા મે મહિના દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ભારે વાહનોની અવરજવર માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, હવેથી જે પણ ડમ્પર ચાલક ઓવરસ્પીડ, ઓવરલોડ કે તાડપત્રી વગર જોવા મળશે, તેની સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કડક હાથે કામ લેવામાં આવશે. પોલીસની આ આક્રમક કામગીરીથી નિયમભંગ કરનારા કોન્ટ્રાક્ટરો અને ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:38 PM IST)