તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
સુરતમાં ડ્રગ્સ અને નશાના કારોબારને નાબૂદ કરવા પોલીસની ઝુંબેશ:બાઈકની સીટની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી લીલો ગાંજો સાથે એક આરોપી ઝડપાયો
પોલીસે આરોપી સુમિત તિવારીની ધરપકડ કરીને તેની પાસેથી 206 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

સુરત શહેરમાં ડ્રગ્સ અને નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુરત પોલીસના "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" અભિયાનના કારણે કાયદાનો સકંજો કસાતા હવે પેડલરોએ હેરાફેરી માટે નવા નુસખાઓ અપનાવવાનું શરૂ કર્યું છે. આવો જ એક ચોંકાવનારો કીમિયો સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઝડપી પાડીને ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
સારોલી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ ટૂ-વ્હીલર પર નશાનો જથ્થો લઈને પસાર થવાનો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને સુમિત તિવારી નામના ઇસમને અટકાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સુમિત ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસને તેની હિલચાલ પર શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેના ટુ-વ્હીલરની બારીકાઈથી તપાસ કરી, ત્યારે સીટની નીચે ખાસ બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી લીલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી સુમિત તિવારીની ધરપકડ કરીને તેની પાસેથી 206 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ પકડાયેલા નશાના જથ્થા અને બાઇક સહિત પોલીસે કુલ રૂપિયા 10 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુમિત આ ગાંજાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો, ત્યાં જ તે પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. આ ગુનામાં પોલીસે નશાના નેટવર્ક સાથે જોડાયેલા રાજુ નામના અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે અને સારોલી પોલીસે આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
