તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સુરતના મોટા વરાછામાં ક્રિકેટ રમવા બાબતે થઈ હિંસક મારામારી થતા પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન
ક્રિકેટ રમવાની નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બેટ, સ્ટમ્પ અને લાકડીઓથી હુમલો; પોલીસે તાત્કાલિક 11 આરોપીઓને ઝડપી ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો

સુરત, તા.17 : સુરતના મોટા વરાછા વિસ્તારમાં ક્રિકેટ રમવાની નજીવી બાબત હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. એક જ મકાનમાં રહેતા બે પરિવારના સભ્યો વચ્ચે બેટ, સ્ટમ્પ અને લાકડીઓ વડે ઉગ્ર હુમલો થયો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા જરીવાલા પરિવારના બે જૂથ વચ્ચે ઘરમાં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો અને બંને પક્ષે બેટ, સ્ટમ્પ અને લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં આઠ જેટલા નામજોગ અને 15થી વધુ અજાણ્યા યુવકોના ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
કાયદો અને વ્યવસ્થાનો સંદેશ આપવા માટે ઉત્રાણ પોલીસે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જ્યાં આરોપીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો તે જ સ્થળે પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી વિસ્તારમાં કાયદાના શાસનનો મેસેજ ગયો છે. પોલીસે જણાવ્યું કે આગળની તપાસ ચાલુ છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
