તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
શક્તિપીઠ અંબાજીમાં દાનની રકમને સુરક્ષિત રાખવા માટે આયોજન: ભવિષ્યમાં દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ પ્રસારિત કરવામાં આવશે
મંદિર ટ્રસ્ટ દ્વારા ચોરીની ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફાર: શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે તે માટે પારદર્શિતા વધારવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

અંબાજી: બનાસકાંઠા સ્થિત સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી થયેલી ચોરીની ગંભીર ઘટના બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના હેતુથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મંદિરમાં આવતી દાનની રકમની ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે 'લાઇવ' દર્શાવવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ અને તંત્ર વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે.
તાજેતરમાં મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન મંદિરના આઉટસોર્સ્ડ કર્મચારીઓની સંડોવણી બહાર આવતા ટ્રસ્ટ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે મંદિર વહીવટીતંત્ર દ્વારા કડક વલણ અપનાવીને મુખ્ય આરોપીઓ ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુંજ પટેલ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભક્તોની આસ્થા અને મંદિરની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે દાનપેટીના ભંડોળની ગણતરીની સમગ્ર પ્રક્રિયા હવેથી પારદર્શક બનાવવાનો નિર્ધાર કર્યો છે. આગામી સમયમાં દાન ગણતરીની કામગીરીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે, જેથી આર્થિક વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
