તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
બરડા અભ્યારણના માલધારીઓને સ્વૈચ્છિક બહાર વસાવવાની યોજના
પોરબંદરમાં ૭૭માં વન મહોત્સવ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મહત્વપુર્ણ જાહેરાતઃ સ્થળાંતર થનારા માલધારી પરિવારોને રાજય સરકારની યોજનામાંથી આવાસ માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ વિનામુલ્યે અપાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ ૭૭માં વન મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની કહેલી મહત્વપૂર્ણ જાહેરાતમાં જણાવેલ કે બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક રીતે અભયારણ્ય બહાર વસાવવાની યોજના તેમજ નેશનલ ટાઇગર કન્વર્ઝેશન ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર માલધારીઓને કુટુંબ દીઠ ૧૫ લાખ રૂપિયા અપાશે જેનાથી સ્થળાંતરિત થનારા માલધારી પરિવારોને રાજ્ય સરકારની યોજનામાં આવાસ માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે અપાશે જેનાથી નેસમાં વસતા માલધારી પરિવારોને વિકાસ કામોના લાભ સાથે શિક્ષણ-સ્વાસ્થ્ય-રોજગારીની તકો મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વન્ય પ્રાણી સંરક્ષણ અને સિંહની સુરક્ષા માટે તથા માનવ-વન્ય પ્રાણી ઘર્ષણ અટકાવવા ઉપરાંત બરડા અભયારણ્યના માલધારી પરિવારોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી સુવિધાઓ સાથે વિકાસના કામોનો લાભ આપી મુખ્યધારામાં જોડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સંદર્ભમાં બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક રીતે અભયારણ્ય બહાર વસાવવાની યોજનાની જાહેરાત ૭૭માં વન મહોત્સવ અન્વયે પોરબંદરમાં કરી છે. આ યોજના અનુસાર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓને કુટુંબ દીઠ રૂ.૧૫ લાખની સમગ્ર રકમ એક સાથે ચુકવવામાં આવશે અને સ્વૈચ્છિક સ્થળાંતર બાદ તેઓના બરડા વિસ્તારમાં અન્ય કોઇ હક્કહિત માન્ય રહેશે નહિ. ઉપરાંત આ અંગે અન્ય કોઇ વધારાની રકમ ચૂકવવાપાત્ર રહેશે નહિ.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું છે કે, સ્થળાંતરિત થનારા કુટુંબ દીઠ રાજય સરકારની યોજના મુજબ રહેઠાણ માટે નિયમોનુસાર ૧૦૦ ચોરસ વારના પ્લોટની વિના મુલ્યે ફાળવણી કરવા માટે સબંધિત કલેકટરશ્રી/ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અભયારણ્ય અને ઈકો સેન્સેટીવ ઝોનની હદ બહાર અને મહાનગરપાલિકાની હદથી ૧૦ કિ.મી. અને નગરપાલિકાની હદથી ૫ (પાંચ) કિ.મી. બહારના વિસ્તારમાં કોઇ પણ ગામની બાજુમાં જમીન વિનામુલ્યે આપી શકાશે. એટલું જ નહિં જે કુટુંબ પાસે માલઢોર હોય તો માલઢોર માટે તેઓની માંગણી મુજબ ૧૦૦ ચોરસ વાર સુધીના પ્લોટ બજાર કિંમત મુજબ આ પ્લોટની રકમ તેઓને આપવાના થતાં રૂ.૧૫ લાખની સહાયમાંથી બાદ કરી બાકીની રકમની ચુકવણી કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીની ગાઈડ લાઈન મુજબ કુટુંબની વ્યાખ્યા માન્ય રાખવામાં આવશે. આ સમગ્ર યોજનાના અમલીકરણની સમીક્ષા અને માર્ગદર્શન માટે રાજ્યકક્ષાની સમિતિની રચના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. તેમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સમાજ કલ્યાણ વિભાગના નિયામકનો સભ્ય તરીકે અને વન સંરક્ષક, વન્યજીવ વર્તુળ, જુનાગઢની સભ્ય સચિવ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજનાના અમલીકરણ અને કુટૂંબની સંખ્યાની જાણકારી મેળવવા તેમજ આ બાબતે જરૂરી આધાર પુરાવાની ચકાસણી માટે અને સ્થળાંતર કરવાના થતાં કુટૂંબની વિગતો નક્કી કરવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રી, પી.જી.વી.સી.એલની સભ્ય તરીકે તથા સંબંધિત નાયબ વન સંરક્ષકશ્રીની સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આ યોજના અન્વયે માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર થવાથી બરડા અભયારણ્યનો મોટો ભાગ વન્યજીવસળષ્ટિ માટે ખુલ્લો થશે અને આ વિસ્તાર માનવ અતિક્રમણથી થતાં બાયોટીક પ્રેશરથી મુકત થશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
