News of Friday, 8th May 2026
મહેસાણા તાલુકામાં 18 લાખના વિદેશી દારૂના કેસમાં ગંભીર બેદરકારી બદલ PI ડી.આર. રાવ અને જમાદાર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ : રાજ્ય પોલીસ વડાની કડક કાર્યવાહી
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે છઠીયારડા ગામેથી રૂ. 18 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યા બાદ સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે આવી; પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેવા અને ફરજમાં નિષ્કાળજી બદલ બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં

મહેસાણા, તા. 8 : મહેસાણા તાલુકા પોલીસની હદમાં ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા અને ફરજમાં નિષ્કાળજી દાખવનાર મહેસાણા તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. રાવ અને જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા આ મામલે કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા તાલુકાના છઠીયારડા ગામની સીમમાં દરોડો પાડીને રૂ. 18 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. SMCની આ કાર્યવાહી બાદ મહેસાણા તાલુકા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.
સ્થાનિક પોલીસની હદમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંગ્રહ થયો હોવા છતાં તાલુકા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોતાના કાર્યક્ષેત્રમાં ચાલતી ગેરકાયદે દારૂની પ્રવૃત્તિને ડામવામાં નિષ્ફળ રહેવા અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ PI ડી.આર. રાવ અને જમાદાર સામે સસ્પેન્શનના ઓર્ડર છૂટ્યા છે.
SMCના દરોડા બાદ રાજ્ય પોલીસ વડાએ આ મામલે તાત્કાલિક નોંધ લઈને કડક વલણ અપનાવ્યું હતું. ગેરકાયદે દારૂની પ્રવૃત્તિ સામે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવા બંને અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.
આ કાર્યવાહી બાદ જિલ્લાના અન્ય પોલીસ મથકોના અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે ઉપરી અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
