તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સુરતના પર્વત પાટિયામાં દેખાડો કરવા નીકળેલા નેતા-અધિકારીઓને લોકોએ ઘેર્યા :ટ્રેકટરમાંથી ઉતારી ગંદા પાણીમાં ચાલવા મજબૂર કર્યા
નેતાઓ અને અધિકારીઓએ મોટી LED સ્ક્રીન પર 'વર્ચ્યુઅલ નિરીક્ષણ' કરીને પૂરની સ્થિતિનું આકલન કરી લીધું! આ તમામ વચ્ચે કેટલાક વિસ્તારમાં સુરતીઓનો પિત્તો ગયો

સુરત શહેરમાં ખાડી પૂરના કારણે હજારો પરિવારો છેલ્લા 3 દિવસથી નરકાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. આ ગંભીર આપત્તિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી સુરતની 'મુલાકાતે' તો આવ્યા, પરંતુ તેમણે કે અન્ય કોઈ નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે સુરત મનપાની ICCC બિલ્ડિંગ ખાતેના ઈમરજન્સી રિસ્પેન્સ સેન્ટરની ઑફિસમાં બેસવાનું મુનાસિબ સમજ્યું. મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને અધિકારીઓએ મોટી LED સ્ક્રીન પર 'વર્ચ્યુઅલ નિરીક્ષણ' કરીને પૂરની સ્થિતિનું આકલન કરી લીધું! આ તમામ વચ્ચે કેટલાક વિસ્તારમાં સુરતીઓનો પિત્તો ગયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. પર્વત પાટિયામાં દેખાડો કરવા ટ્રેક્ટર લઈને નીકળેલા નેતા-અધિકારીઓને લોકોએ ઘેર્યા, પૂરના ગંદા પાણીમાં પગપાળા ચાલવા મજબૂર કર્યા
ખાડીપૂરના ત્રીજા દિવસે પણ સુરતના પર્વત પાટિયા, ડુંભાલ, ગીતાનગર સહિતના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. હજુ પણ કેડસમા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોનો રોષ સાતમા આસમાને છે. આજે ગુરુવારે જ્યારે મુખ્યમંત્રી શહેરમાં હતા, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ ટ્રેક્ટર પર સવાર થઈને પર્વત પાટિયા વિસ્તારમાં 'દેખાડો' કરવા પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં બંધક બનેલી જનતાનો પિત્તો ગયો હતો.
રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ અને અધિકારીઓના ટ્રેક્ટરને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને આગળ વધવા દીધું નહોતું. લોકોએ આક્રોશ સાથે અધિકારીઓ અને નેતાઓને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરીને પૂરના ગંદા પાણીમાં પગપાળા ચાલવા મજબૂર કર્યા હતા. જનતાના વેધક સવાલો સામે અધિકારીઓ અને કોર્પોરેટરો ભારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા અને આખરે નાછૂટકે ગંદા પાણીમાં પગપાળા જવું પડ્યું હતું.
લોકોનો સીધો આક્ષેપ હતો કે જ્યારે તેઓ ભૂખ્યા-તરસ્યા હતા, ત્યારે ભાજપના નેતાઓ કે અધિકારીઓ ડોકાયા પણ નહોતા. હાઇટેક ગણાતી સુરત મનપાએ પૂર આવશે તેવી અગાઉથી કોઈ ચેતવણી પણ ન આપી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા રાહત માટે જે બોટ મૂકવામાં આવી છે તે પણ વારંવાર બંધ પડી જાય છે અથવા ખરાબ થઈ જાય છે, જેના કારણે ફસાયેલા લોકો સુધી ભોજન કે જરૂરી સામગ્રી પહોંચાડવામાં તંત્ર સાવ નાપાસ સાબિત થયું છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
