<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

રાજપીપળામાં 45 ડિગ્રી ગરમી વચ્ચે રોજિંદી લાઇટ જવાની સમસ્યાથી લોકો પરસેવે રેબઝેબ

અવાર નવાર મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ કરવા છતાં દરરોજ લાઇટ જવાની સમસ્યા કેમ આવે છે.?! :વીજ કંપનીના અધિકારીઓ આકરી ગરમીમાં લોકો શેકાઈ નહીં તેવી કામગીરી કરે

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરમાં આકરી ગરમીમાં પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાતા લોકો લાઇટ વિના હેરાન થઈ રહ્યા છે. વીજ કંપનીના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કરે તેવી માંગ છે.
   મળતી વિગતો મુજબ રાજપીપળા શહેરમાં પાછળના વર્ષો કરતા આ વર્ષે વીજળી ગુલ થવાની ઘટના અવાર નવાર બનતા લોકો 45 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. વીજ કંપની દ્વારા અનેકવાર મેન્ટેનન્સના નામે કામગીરી કરવા કલાકો લાઇટ બંધ રાખવામાં આવતી હોવા છતાં દરરોજ લાઈટો જવાની ઘટના જાણે મામૂલી થઈ ગઈ છે તો શું મેન્ટેનન્સ ના નામે નાટ્યાત્મક કામગીરી કરાઈ છે..?
અગત્યની બાબત એ છે કે પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીના સમયે જ લાઇટ જતા લોકોને પાણી નહીં મળતા ઉનાળાની ખતરનાક ગરમીમાં પાણી વિના લોકો હેરાન થાય છે. અને દરરોજ જતી લાઇટ અડધી રાત્રે પણ લોકો ભર નિંદ્રા માં હોય ત્યારે જ જતા લોકોની ઊંઘ બગડે છે જેના કારણે નોકરી, ધંધા પર જતા લોકો મુશ્કેલી માં મુકાય છે સાથે આઇસક્રીમ, કોલ્ડ્રિંકનો ધંધો કરતા વેપારીઓનો માલ પણ બગડે છે માટે એક વખત યોગ્ય મેન્ટેનન્સ કરી નિયમિત વીજ પુરવઠો મળે તે દિશા માં દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ કામગીરી કરાવે તેવી માંગ છે.

(10:51 PM IST)