<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

"પ્રજા અમારી ભગવાન છે, તેને પરેશાન કરનાર લુખ્ખાઓ સીધા નહીં ચાલી શકે" - અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત : કોમી એકતા માટે યોજાયેલી ક્રિકેટ મેચમાં કરી ઝંઝાવતી બેટિંગ - બોલિંગ

માં ભદ્રકાળી અને જગન્નાથજીના દર્શન કરી કમિશનરે પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી : સુરતમાં મળેલી અભૂતપૂર્વ વિદાયનું રહસ્ય ખોલતા કહ્યું, "મોટા માણસની જ આગતા-સ્વાગતા કરવી એ ક્યાંની માનવતા?"

રાજકોટ : અમદાવાદના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકારો સમક્ષ વાતચીત કરતા પોતાના કાર્યકાળ અને અંગત અનુભવોની કેટલીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો શેર કરી છે. પત્રકારો સાથેના સંવાદ દરમિયાન તેઓએ કાયદો અને વ્યવસ્થાના અમલીકરણ અંગે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પ્રજા અમારી ભગવાન છે અને જનતાને હેરાન કરનારા લુખ્ખા તત્વો હવે સીધા ચાલી શકશે નહીં, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરીને લંગડાતી ચાલ ચાલવા મજબૂર કરાશે. આ સાથે જ તેઓએ આદેશાત્મક લહેજામાં ઉમેર્યું કે, પોલીસ પણ નિર્દોષ નાગરિકો સાથે ક્યારેય તોછડું વર્તન કરી શકશે નહીં.

માતાજી અને ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવ્યું:

અમદાવાદમાં પદભાર સંભાળ્યા બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઐતિહાસિક ભદ્રકાળી મંદિરે પહોંચીને માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ પ્રખ્યાત જગન્નાથ મંદિરે જઈને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા હતા. કમિશનરે મંદિર પરિસરમાં સમગ્ર પોલીસ સ્ટાફની કાર્યક્ષમતા અને સામાન્ય જનતાની સુખાકારી તથા શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

અમદાવાદ સાથે જૂનો નાતો, રથયાત્રા બંદોબસ્તનો બહોળો અનુભવ:

પોતાના જૂના સંસ્મરણો તાજા કરતા લોકપ્રિય આઈપીએસ (IPS) અધિકારી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સાથે તેમનો નાતો ઘણો જૂનો છે. અગાઉ તેઓ અમદાવાદમાં ડીસીપી (DCP) દરજ્જે પણ પોતાની પ્રશંસનીય ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યું કે, ભગવાન જગન્નાથજીના વિશેષ આશીર્વાદથી જ તેમને ભૂતકાળમાં બે થી ત્રણ વખત મુંબઈ સમાન સંવેદનશીલ ગણાતી અમદાવાદની પરંપરાગત રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

કોમી એકતા માટે યોજાયેલી ક્રિકેટ મેચમાં ઝંઝાવતી બેટિંગ:

શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આયોજિત કોમી એકતા ક્રિકેટ મેચમાં આ લોકપ્રિય આઈપીએસ અધિકારીએ મેદાન પર પોતાના બેટનો કમાલ પણ બતાવ્યો હતો. મેચ દરમિયાન તેઓએ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને ઝંઝાવતી બેટિંગ કરી હતી. સ્ટેડિયમમાં હાજર હજારો લોકોએ તેમના આ ખેલદિલીભર્યા અંદાજને તાળીઓના ગડગડાટ સાથે હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો.

સુરતની અશ્રુભીની વિદાયના રહસ્ય પરથી પડદો ઊંચક્યો:

સુરતના ઇતિહાસમાં આજ દિન સુધી કોઈ બદલી પામેલા અધિકારી માટે આખું શહેર અશ્રુભીની આંખે સ્વયંભૂ રોડ પર ઉમટી પડ્યું હોય તેવી ઘટના પ્રથમવાર બની હતી. આ અભૂતપૂર્વ લોકચાહના પાછળનું રહસ્ય જ્યારે એક ન્યૂઝ ચેનલના એન્કરે પૂછ્યું, ત્યારે અનુપમસિંહ ગેહલોતે આપેલો જવાબ પ્રત્યેક પોલીસ સ્ટાફ અને સનદી અધિકારી માટે દાખલારૂપ બન્યો છે.

તેઓએ માનવતાવાદી અભિગમ સાથે જણાવ્યું કે, "અમને યુનિફોર્મનું ગૌરવ જરૂર છે, પરંતુ અમે યુનિફોર્મ પહેરતા પહેલા આ દેશના નાગરિક છીએ. સામાન્ય નાગરિકની પીડા શું હોય તેની મને પૂરી ખબર છે અને યુનિફોર્મ પહેર્યા પછી પણ હું આ વાસ્તવિકતા ભૂલ્યો નથી. કોઈ સામાન્ય નાગરિક દૂર-દૂરથી ટાઢ કે તડકાની પરવા કર્યા વિના ટુ-વ્હીલર કે રિક્ષા ભાડે કરીને મારી ઓફિસે આવે, ત્યારે હું તેમનું કોઈ આર્થિક કે સામાજિક સ્ટેટસ જોયા વગર, તેમને માત્ર એક સારા માણસ તરીકે જ જોઉં છું. હું મારી ચેમ્બરમાં તેમને પ્રથમ ઠંડું પાણી, ચા કે કોલ્ડ્રિંક્સની ઓફર કરું છું. કોઈ મોટો માણસ આવે તેની જ આગતા-સ્વાગતા કરવી અને સામાન્ય માણસની અવગણના કરવી, એ ક્યાંની માનવતા? માત્ર સુરત જ નહીં, મેં મારી કારકિર્દીમાં જ્યાં જ્યાં ફરજ બજાવી છે, ત્યાંના લોકો આજે પણ મને એટલો જ પ્રેમ અને આદર આપે છે."

(10:17 PM IST)