તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
સાગબારાના મોટીદેવરૂપણ ગામે પાણી માટે લોકોનો હાહાકાર : સરકારી યોજના વાસમો નિષ્ફળ ગયાનો આક્ષેપ
જિલ્લા પંચાયત સદસ્યએ મોટીદેવરૂપણ ગામની મુલાકાત લઈ પાણીની ગંભીર સમસ્યાથી વાકેફ થયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભોરઆમલી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટીદેવરૂપણ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હેન્ડપંપનું લોખંડનું હેન્ડલ કાઢી નાખવામાં આવ્યું હોવાની તેમજ પાણીના બોરનો વાયર કાપી નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ગામમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ગામલોકોની રજૂઆત બાદ જિલ્લા પંચાયત સદસ્ય ગિરધન વસાવાએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી વાસમો યોજના હેઠળ બનાવાયેલો પાણીનો પ્રોજેક્ટ હાલ બિનઉપયોગી બની ગયો છે અને પાણીના કુંડામાં બાળકો રમતા જોવા મળી રહ્યા છે, જ્યારે ગ્રામજનો અને પશુઓ પાણી માટે તરસી રહ્યા છે.
તેમણે તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે આટલી ગંભીર સમસ્યા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે માંગ કરી હતી કે આગામી ૨૪ કલાકમાં ગામમાં પાણીની સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છેકે આ મોટી દેવરૂપણ ગામ તાપી નદીના કાંઠે વસેલું છે. છતાં ભર ઉનાળે પાણી માટે તરસી રહ્યું છે. તાપી નદી પર ઉકાઈ ખાતે ડેમ બનાવી સમગ્ર દક્ષિણ ગુજરાત પાણી થી તરબોળ છે જ્યારે નદી કિનારે રહીને પણ અહીંના લોકો તરસે મરી રહ્યા છે. તાલુકાનું વહીવટી તંત્ર આ બાબતે ઉદાસીનતા કેમ દાખવી રહ્યું છે તે લોકોને સમજાતું નથી.જો 24 કલાક માં મોટી દેવરૂપણ ગામની પાણીનો સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામજનો સાથે જિલ્લા પંચાયતના સભ્ય ગિરધન વસાવાએ ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
