તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સુરતના સચીનમાં પીસીબીનો સપાટો : એક જ ક્રેટામાં ચાર નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી કરતો ઓમપ્રકાશ લખારા 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
હાઈવે પર પોલીસને થાપ આપવા લક્ઝરી કારમાં અલગ-અલગ નંબર પ્લેટ વાપરતા બુટલેગરને પીસીબીની ટીમે દબોચ્યો : દમણના જ્યોતિ અને વેસુના ચિંતન ઉર્ફે ચિન્ટુને વોન્ટેડ જાહેર કરાયા

સુરત : સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા સચીન વિસ્તારમાં એક ચોંકાવનારું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસને ચકમો આપવા માટે ફિલ્મી ઢબે એક જ લક્ઝરી કારમાં ચાર અલગ-અલગ નંબર પ્લેટો બદલીને દારૂની હેરાફેરી કરતા રાજસ્થાની બુટલેગર ઓમપ્રકાશ લખારાને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
સમયાંતરે નંબર પ્લેટ બદલી પોલીસને આપતો હતો થાપ:સામાન્ય રીતે બુટલેગરો દારૂની હેરાફેરી માટે જૂની કે સસ્તી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં હેરાફેરી માટે લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે ગાડીનો અસલી નંબર GJ 27 AP 2296 હતો. જોકે, દરોડા દરમિયાન ગાડી પર GJ 21 BC 3070 નંબરની પ્લેટ લગાવેલી હતી. ગાડીની અંદરથી અન્ય બે પ્લેટો GJ 05 JR 7924 અને GJ 15 CD 9755 પણ મળી આવી છે. હાઈવે પરના સીસીટીવી કેમેરા અને વિવિધ જિલ્લાના પોલીસ ચેકિંગથી બચવા માટે ઓમપ્રકાશ લખારા રસ્તામાં જ નંબર પ્લેટ બદલી નાખતો હતો.
વક્તાણા નહેર પાસે વોચ ગોઠવી ઓમપ્રકાશ લખારાની ધરપકડ કરાઈ: પીસીબીની ટીમે બાતમીના આધારે સચીન વિસ્તારમાં વક્તાણા નહેર પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડી આવતા જ પોલીસે તેને ઘેરી લીધી હતી. ગાડી ચલાવી રહેલા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા (ઉંમર વર્ષ 39), રહે. રાંદેર (મૂળ રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 1.13 લાખની કિંમતની દારૂની 402 બાટલીઓ, 5 લાખની કિંમતની ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળી કુલ 6,23,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નરેન્દ્ર ભાઈ અને ભુપેન્દ્ર ભાઈની સરકાર હેઠળ પોલીસ દ્વારા નશાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવતી ઝુંબેશમાં આ એક મોટી સફળતા માનવામાં આવે છે.
દમણ અને સુરતના બુટલેગરોનું કનેક્શન ખુલ્યું: પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે દારૂનો આ જથ્થો દમણના દેવકા બીચ પાસે રહેતા જ્યોતિ નામના શખ્સે મોકલ્યો હતો. આ માલ સુરતના વેસુ વિસ્તારના બુટલેગર ચિંતન ઉર્ફે ચિન્ટુને પહોંચાડવાનો હતો. પોલીસે હાલમાં જ્યોતિ અને ચિંતન ઉર્ફે ચિન્ટુને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી અગાઉ કેટલી વાર આ રીતે નંબર પ્લેટ બદલીને દારૂ સુરતમાં લાવ્યો છે તે દિશામાં સચીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
